મોરબીના જેતપર ગામે કપાસનો પાક નબળો પડવાના કારણે ચિંતામાં મુકાયેલા એક યુવાને આપઘાત કરી લીધો છે. આ ઘટના વાડીની ઓરડીમાં બની હતી, જ્યાં યુવાને ગળાફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.
મૃતક યુવાનનું નામ નયન માનસિંગભાઈ મોહનિયા (ઉં.વ. 25) હતું. તે મૂળ દાહોદ જિલ્લાનો વતની હતો અને હાલ જેતપરમાં જયેશભાઈ અમરશીભાઈની વાડીએ રહીને મજૂરી કરતો હતો. નયને જેતપરમાં ખેતીની જમીન વાવવા રાખી હતી અને તેમાં કપાસનું વાવેતર કર્યું હતું.
કપાસનો પાક નબળો પડવાને કારણે નયન ચિંતામાં હતો. આથી તેણે વાડીએ આવેલી પોતાની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના સમયે તેની પત્ની ઓરડીએ હાજર ન હતી. પત્ની પાછી ફરી ત્યારે દરવાજો ન ખોલતા, દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર નયનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ જયેશભાઈ અમરશીભાઈ અઘારાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ નજીક કેનાલમાં ડૂબી જતા મોત
નવા ધનાળા ચોકડી પાસે કેનાલના પાણીમાં ડૂબી જતા 35 વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ એમપીના વતની હાલ હળવદના ઈશ્વરનાગર ગામની સીમમાં રહીને મજુરી કરતા કરશન ઉર્ફે ભૂરો રાવલીયાભાઈ કનેજ (ઉ.વ.35) નામના યુવાન ગત તા. 27 ના ઓજ નવા ધનાળા ચોકડી પાસે આવેલ કેનાલમાં પડી જતા તરતા આવડતું ના હોવાથી પાણીમાં ડૂબી જતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
માટેલ રોડ પર ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત
જ્યારે બીજા બનાવમાં માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. મૂળ એમપીના વતની હાલ વાંકાનેરના માટેલ રોડ રામુજી સિરામિકમાં રહીને કામ કરતા ભરતપ્રસાદ પટેલના સાડા ત્રણ વર્ષના પુત્ર દેવકરણ નામનું બાળક સિરામિક માટે માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
