રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં તે ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી રહ્યો છે. સાહિલ મજોઠી, જે અગાઉ રશિયામાં ડ્રગ તસ્કરીના કેસમાં જેલમાં હતો, તેણે જેલમુક્તિની શરતે રશિયન સેના સાથે યુદ્ધમાં જોડાવાના કરાર કર્યા હતા. જોકે હાલ તે યુક્રેનની જેલમાં કેદી તરીકે જીવન વિતાવી રહ્યો છે.
સાહિલની માતા પાસેથી મળેલ વિડીયોમાં સાહિલ જણાવે છે કે હું રશિયન જેલમાં રહેવા માંગતો ન હતો એટલે મેં સેનાના કરાર પર સહી કરી હતી, જેના કારણે હું અત્યારે યુક્રેનની કેદમાં છું. મને જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા, તેથી હું ભારત સરકારને વિનંતી કરું છું કે તેઓ પુતિન સાથે વાતચીત કરી કોઈ સમજૂતી કરે જેથી મને જેલમાંથી મુક્તિ મળે અને હું મારા ઘરે પરત ફરી શકું.
અત્રે ઉલ્લેખનીય છે કે સાહિલની માતા અને પરિવારે પોતાના પુત્રને સુરક્ષિત પરત લાવવા માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન યુક્રેન સરકારનો જવાબ આવ્યો હતો કે હાલમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી આ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. યુક્રેન સરકારે આ મામલે વધુ સમયની માંગણી કરતા, હવે દિલ્હી હાઈકોર્ટમાં આ કેસની આગામી કાર્યવાહી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે.
