આશ્રય છીનવાયાનો આક્રોશ કરી આવાસ યોજનામાં આવાસ ફાળવવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત
શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક ભારણને હળવો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પહોળા કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત અનેક રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકી કપાતમાં આવતી મિલ્કતોને નોટીસ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ઢેબર રોડ ઉપર બાબરિયા કોલોની વિસ્તારમાં લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ રોડ પહોળો કરવા દરમિયાન કપાતમાં આવતા 19 મકાન માલીકોને નોટીસ અપાતા તેઓએ આજે કોર્પોરેશન ખાતે આવી ઘરનો આશરો છીનવવામાં ન આવે તેવી વિનંતી સાથે આવાસ યોજનામાં દરેક પરિવારોને આવાસ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
અસરગ્રસ્તોએ રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટના સર્વે નં. 325 પૈકીની આવેલ જમીમાં અમો કુલ 19 વ્યકિતઓના પરિવાર રહે છે, સદરહુ જમીન અમોને મામલતદાર શહેરી જમીન ટોચ મર્યાદા, રાજકોટ તરફથી તા.31/03/1992 ના રોજ અમોને ફાળવવામાં આવેલ છે.
સદરહુ જગ્યા પર અમો 19 લોકો અમારા પરિવાર સાથે છેલ્લા 33 વર્ષથી વસવાટ કરીએ છીએ, અમારી પાસે રહેવા માટે અન્ય કોઈ જગ્યા નથી તેમજ અમો ખુબ ગરીબ વર્ગના માણસો છીએ શાકભાજીનું વેચાણ કરીને અમારા પરિવારનું ભરણપોષણ કરીએ છીએ. સદરહુ જગ્યા પર ટી.પી. સ્કીમ અંતર્ગત કપાત થવા અંગેની નોટીસ અમોને નીચે દર્શાવેલ સંદર્ભના પત્રથી મળેલ છે. જેમાં અમો 19 પરિવારમાંથી 8 પરિવારના મકાન પુરેપુરા કપાત થાય છે તેમજ અન્ય 10 પરિવારના મકાન થોડા ઘણા અંશે કપાતમાં આવે છે. આમ સદરહુ ટી.પી. સ્કીમ અંતર્ગત કપાત થતા ઉપરોકત 19 પરિવારને રહેવા લાયક મકાનો રહેતા નથી.
અમારી રજુઆત છે કે સદરહુ ટી.પી.સ્કીમ અંતર્ગત કપાત થતી જગ્યાના અવેજમાં અમોને અમારા રહેણાંકની નજીકમાં અન્ય જગ્યાએ રહેવા માટે કોઈ વૈકલ્પીક જગ્યા/જમીન ફાળવી આપવા વિનંતી છે અથવા તો અમોને કપાત થતી જગ્યાની અવેજમાં સરકારશ્રી તરફથી બનાવવામાં આવતા આવાસોમાં દરેકને આવાસ ફાળવી આપવા માટે વિનંતી છે. જો અમોને વૈકલ્પિક જગ્યા ફાળવાતા પહેલા ખાલી કરાવવામાં આવશે તો અમો તથા અમારો પરિવાર આશરા વિહોણો અને રોડ પર આવી જશુ જેથી અમોને ખાલી કરાવડાતા પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવવા નમ્ર અરજ છે.