ખંભાળિયામાં નકલી પોલીસે બાઇક સવાર યુવાનને અટકાવી કરેલો તોડ

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનને રોકીને અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, બાઈક અંગેનો દંડ ભરવાનો ભય…

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનને રોકીને અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, બાઈક અંગેનો દંડ ભરવાનો ભય બતાવી, રૂૂ. 500 ની રકમ મેળવી લેવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઓલિયા પીરની દરગાહની બાજુમાં રહેતા આમદ કરીમભાઈ સંઘાર નામના 24 વર્ષના યુવાને જાહેર કરેલી વિગત મુજબ ગત તા. 2 ઓક્ટોબરના રોજ ફરિયાદી આમદ તથા તેમના સંબંધી અનીશ અખ્તર ચબા તેમના મોટરસાયકલ નંબર જી.જે. 37 એ.એ. 2178 માં બેસીને ખંભાળિયા આવ્યા બાદ પોતાનું કામ પતાવીને સલાયા પરત જઈ રહ્યા હતા. ત્યારે અહીંના સલાયા હાઈવે નજીક સર્વિસ રોડ પાસેના ઓવરબ્રિજ નીચેથી પસાર થતી વખતે ટીવીએસ કંપનીના એક મોટરસાયકલ પર સાદા કપડામાં ઉભેલા એક યુવાને તેમને અટકાવી અને પોતે ટ્રાફિક પોલીસ હોવાની ઓળખ આપી હતી.

આ પછી આ અજાણ્યા શખ્સે ફરિયાદી આમદ સંઘારને કેટલી પૂછપરછ કરી, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ વાહનના કાગળ માંગ્યા હતા. જે તેમણે બતાવતા આરોપી શખ્સએ “તમે હેલ્મેટ પહેરેલ નથી, તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે બુટ પહેરવા ફરજિયાત છે” તેમ કહી તેમના પર કેસ કરવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં, તેમણે રૂૂ. 5,000 નો દંડ ભરવો પડશે અને જો દંડ ન ભરવો હોય તો કેસ થશે ચાલો ચોકીએ”. આ રીતના વાત કર્યા બાદ આરોપી શખ્સે હાલ રૂૂ. 500 નો દંડ ભરો એમ કહી, રૂૂ. 500 ની રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી.

આ પછી દંડની પાવતી માંગતા તેણે કહ્યું હતું કે “પાવતી ન હોય. તું અહીંથી નીકળી જા. નહિતર ચોકીએ લઈ જઈશ”. તેમ કહી આ શખ્સ પોતાના મોટરસાયકલ પર અહીંથી નીકળી ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદી આમદ સંઘારે તપાસ કરતા આ પ્રકારે કોઈ જ વ્યક્તિ પોલીસમાં ન હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે આમદ કરીમ સંઘારની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે પોતે પોલીસ ન હોવા છતાં પણ પોલીસની ઓળખ આપી, ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂૂ. 500 કઢાવી લેવા સબબ વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *