જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પહેલી ફરિયાદ મુજબ ગાગવા ગામના પ્રભાતસિંહ લખુભા જાડેજા ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરવા જતાં અજીતસિંહ અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ તેમજ ઢીકા-પાટુ વડે માર મારતા ફરિયાદીને છાતી, પાસળી અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે.
બીજી તરફ મુંગણી ગામના ભરતસિંહ દોલુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ટ્રકમાં માટી ભરી પોતા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગાગવા ગામ નજીક પ્રભાતસિંહ લખુભા જાડેજાએ ટ્રક રોકાવી ગાળો આપી હુમલો કર્યો હતો. આરોપીએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને પક્ષોની ફરિયાદોના આધારે સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખોદકામ અને માટીના પરિવહનને લઈને થયેલા વિવાદે મારામારીનું સ્વરૂૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને પક્ષોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવકે પોતાના ઘરના રૂૂમમાં છતના હુક સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો હતો. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં તબીબે તપાસ કરી યુવકને મૃત જાહેર કર્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એ.એસ.આઈ. પી કે ગુઢકા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
