રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં મોટી દુર્ઘટના બની છે. કેમ્પમાં આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે જવાનો સ્થળ પર જ શહીદ થયા હતા જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
માહિતી અનુસાર આ દુર્ઘટના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં ચાર્લી સેન્ટર ખાતે સર્જાઈ હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને સુરતગઢની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.દુર્ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મહાજન પોલીસ સ્ટેશન પણ સ્થળ પર હાજર છે. મહાજન પોલીસ સ્ટેશનના પ્રભારી કશ્યપ સિંહે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કશ્યપ સિંહે કહ્યું કે જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાની પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ દરમિયાન ટાંકીમાં બ્લાસ્ટ થવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે ઘાયલ જવાનને સુરતગઢ મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં આ પરીક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સીલ મારી દેવામાં આવ્યો છે જેથી તપાસ કરી શકાય.