અશ્ર્વિની વૈશ્ણવને મોટું પ્રમોશન મળવાની શકયતા: ગડકરીના ભાવિ પર નજર: ટેક્નોક્રેટ્સ, પૂર્વ રાજદ્વારીઓને સ્થાન મળી શકે
દેશની રાજધાની દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં ટૂંક સમયમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે. કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે વિસ્તરણ અને ફેરબદલને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, વહીવટી કામગીરીને ગતિ આપવા અને આગામી મહત્વની ચૂંટણીઓને સાધવા માટે કેટલાક દિગ્ગજ મંત્રીઓની રજા થઈ શકે છે, જ્યારે યુવા અને નવા ચહેરાઓને દેશની કમાન સંભાળવાની તક મળે તેવી પૂરી શક્યતા છે.
આ સંભવિત ફેરબદલના સૌથી ચોંકાવનારા સમાચાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે જોડાયેલા છે. અહેવાલો મુજબ, ગડકરીના હાલના વિભાગમાં ફેરફાર કરીને તેમને અન્ય કોઈ મહત્વનું મંત્રાલય સોંપાઈ શકે છે. બીજી તરફ, પોતાની શ્રેષ્ઠ કામગીરીથી છાપ છોડનારા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મોટું પ્રમોશન મળવાના સંકેત છે. આ ઉપરાંત કેબિનેટમાં 16થી 17 નવા ચહેરાઓને એન્ટ્રી મળી શકે છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે કેટલાક વર્તમાન મંત્રીઓએ પોતાની ખુરશી ગુમાવવી પડશે.
આ મોટા ફેરબદલની પૂર્વતૈયારીના ભાગરૂૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના સાંસદો સાથે સીધો સંવાદ શરૂૂ કર્યો છે. સાંસદો સાથેની આ અનૌપચારિક અને વિશેષ બેઠકો પરથી રાજકીય વિશ્ર્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે આગામી સમયમાં કોને કેબિનેટમાં એન્ટ્રી મળશે અને કોને સંગઠનમાં કે બહારનો રસ્તો બતાવવામાં આવશે.
મંત્રીઓનો કાર્યભાર હળવો કરાશે, 12 ખાલી પદો ભરાશે હાલ મોદી સરકારના મંત્રીમંડળમાં 69 મંત્રીઓ છે, જ્યારે બંધારણીય મર્યાદા મુજબ આ સંખ્યા મહત્તમ 81 સુધી પહોંચી શકે છે. આમ, હાલમાં 12 મંત્રી પદો સંપૂર્ણપણે ખાલી છે. આ ઉપરાંત લગભગ 14 એવા કેબિનેટ મંત્રીઓ છે જેઓ એક કરતાં વધુ મંત્રાલયોનો વધારાનો પ્રભાર સંભાળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર પ્રલ્હાદ જોશી પાસે છે, જેને હવે કોઈ નવા મંત્રીને સોંપી શકાય છે.
આ ફેરબદલનો મુખ્ય હેતુ મંત્રીઓનું ભારણ ઘટાડીને સરકારી કામકાજને વધુ ઝડપી બનાવવાનો છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કેબિનેટના આ મહાવિસ્તારની જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં અથવા તો જન્માષ્ટમીના પર્વની આસપાસ જ થઈ શકે છે.હવે જોવાનું એ રહેશે કે ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી કયા નેતાની લોટરી લાગે છે અને કોણે મંત્રીપદ ગુમાવવું પડે છે.
મોદી સરકારની કેબીનેટમાં ફેર બદલમાં જોવા મળ્યું છે કે કોર્પોરેટ કંપનીઓની જેમ મોદી સરકારમાં પણ જો કોઈ મંત્રી અપેક્ષાઓ પર ખરો નથી ઉતરતો અથવા તેના મંત્રાલય સાથે જોડાયેલો કોઈ વિવાદ ઊભો થાય છે, તો કોઈ પણ પ્રકારના સંકોચ વગર તેની રજા કરી દેવામાં આવે છે. આ ઉપરાંત દાગી મંત્રીઓને રજા આપી દેવામાં આવે છે.
મોદી સરકારમાં માત્ર પરંપરાગત નેતાઓ જ મંત્રી નથી બનતા, પરંતુ જટિલ અને મહત્વના મંત્રાલયોની જવાબદારી પૂર્વ IAS, IFS ઓફિસર અથવા ડોમેન એક્સપર્ટ્સ (ટેક્નોક્રેટ્સ) ને આપે છે.
યુપી-પંજાબનું ચૂંટણી ગણિત ધ્યાનમાં લેવાશે
આ માત્ર વહીવટી ફેરબદલ નથી, પરંતુ ભાજપની દીર્ઘકાલીન ચૂંટણી રણનીતિનો એક મહત્વનો ભાગ છે. વર્ષ 2027માં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે પક્ષ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારબાદ 2029માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવશે. આ રાજકીય સમીકરણોને સાધવા માટે કેબિનેટમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોને મજબૂત અને નવું પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે.
