ક્રિકેટના નિયમોમાં સમયની સાથે ફેરફાર થવા એ કોઈ નવી વાત નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને રાષ્ટ્રીય બોર્ડ સમયાંતરે રમતને વધુ રોમાંચક અને પારદર્શક બનાવવા નવા નિયમો લાવતા હોય છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ મેરીલેબોન ક્રિકેટ ક્લબ દ્વારા પ્રસ્તાવિત કેટલાક નવા અને મહત્વના નિયમોને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં લાગુ કરવા જઈ રહ્યું છે.
આગામી સિઝનથી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત સ્થાનિક ટુર્નામેન્ટ્સમાં માત્ર 1 કે 2 નહીં, પરંતુ એકસાથે ઘણા ફેરફારો જોવા મળશે. આ નવા નિયમોમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિવસની છેલ્લી ઓવરથી લઈને મેદાન પર હેડ કોચની એન્ટ્રી, ડેડ બોલ અને વિકેટકીપરના ગ્લોવ્સ સુધીની તમામ ઝીણવટભરી બાબતોને આવરી લેવામાં આવી છે. સ્થાનિક ક્રિકેટમાં લાગુ થનારા નવા નિયમોની સંપૂર્ણ યાદી પર નજર નાખીએ તો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં હવે દિવસની છેલ્લી ઓવર પૂરી કરવી જ પડશે. અગાઉ એવો નિયમ હતો કે જો દિવસની છેલ્લી ઓવરમાં કોઈ વિકેટ પડે, તો તે દિવસની રમત ત્યાં જ પૂરી જાહેર કરી દેવાતી હતી. પરંતુ નવા નિયમ મુજબ, જો વિકેટ પડશે તો પણ નવા આવનાર બેટ્સમેને મેદાનમાં જઈને દિવસના અંતિમ બોલ સુધી ફરજિયાત રમવું પડશે.
વનડે મેચોમાં હવે ડ્રિંક્સ બ્રેક દરમિયાન ટીમના મુખ્ય કોચને મેદાનમાં ખેલાડીઓ પાસે જવાની સત્તાવાર છૂટ આપવામાં આવશે, જેથી તેઓ રણનીતિ અંગે ચર્ચા કરી શકે. જો કોઈ ખેલાડી જાણીજોઈને ઓછો રન (શોર્ટ રન) લેવાનો પ્રયાસ કરશે, તો હવે ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને એ નક્કી કરવાનો પૂરો અધિકાર મળશે કે આગળના બોલનો સામનો કયો બેટ્સમેન કરશે. ઉપરાંત ડેડ બોલની વ્યાખ્યામાં પણ ફેરફાર કરાયો છે. બોલને ડેડ જાહેર કરવા માટે હવે તે માત્ર બોલર અથવા વિકેટકીપરના હાથમાં જ હોવો જરૂૂરી નથી. જો બોલ કોઈ ફિલ્ડરના કબજામાં હોય અથવા તો જમીન પર પડેલો હોય, તો પણ અમ્પાયર તેને ડેડ બોલ ગણી શકશે.
લિમિટેડ ઓવરની ક્રિકેટ એટલે કે ઓડીઆઇ અને ટી-20 મેચોમાં લેગ-સાઇડ વાઇડ બોલ માટે નવી અને વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. ઉપરાંત ફિલ્ડરો માટે બાઉન્ડ્રીનો નિયમ: બોલર જ્યારે બોલ ફેંકી રહ્યો હોય, ત્યારે મેદાનના તમામ ફિલ્ડરોએ બાઉન્ડ્રી લાઇનના અંતરની અંદર જ રહેવું ફરજિયાત બની જશે. આ સાથે વિકેટકીપરો માટે એક રાહતનો નિયમ રજૂ થયો છે. બોલરના રન-અપ દરમિયાન જો વિકેટકીપર પોતાના ગ્લોવ્સ આગળ રાખશે, તો હવે તેના માટે કોઈ દંડ (પેનલ્ટી) ફટકારવામાં આવશે નહીં.
