નવા પદાધિકારીઓની ધારાસભ્યોની હાજરીમાં પ્રથમ રિવ્યુ મીટિંગ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી અને સમયબદ્ધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તેમજ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા શહેરના તમામ કોર્પોરેટરો સાથે તમામ સિટી એન્જિનિયરો સહિતના ટેકનિકલ સ્ટાફની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વરસાદ ખેંચાય તો પણ પાણી વિતરણમાં ધાંધીયા ન થાય તેવું આગોતરૂ આયોજન કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી.
બેઠક દરમિયાન શહેરમાં પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા તેમજ ઘર આંગણેના ડેમની સ્થિતિ વિશે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક વોર્ડમાં શહેરીજનોને નિયમિત અને પૂરતા દબાણ સાથે દરરોજ 20 મિનિટ સુધી પાણીનું વિતરણ સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂૂરી આયોજન કરવા અને સતત મોનિટરિંગ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરીજનોને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે પાણી પુરવઠા વ્યવસ્થાની નિયમિત તપાસ, પાઇપલાઇન મેઇન્ટેનન્સ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વોર્ડ વિસ્તારમાં પાણી વિતરણમાં જરૂૂરી તકેદારી રાખવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પાણીની ગુણવત્તા સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદોને તાત્કાલિક ધોરણે નિવારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
નગરસેવકોને પોતાના વિસ્તારોમાનથી મળેલી ફરિયાદનો તાકીદે નિકાલ કરવા સુચના
બેઠકમાં ઉપસ્થિત કોર્પોરેટરઓએ પોતાના વોર્ડની પાણી પુરવઠા વિષયક જરૂૂરિયાતો અંગે શહેરીજનોની રજૂઆતો સહિત સૂચનો રજૂ કર્યા હતા. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોને જરૂૂરી કાર્યવાહી કરવા અને વિવિધ સેવાઓમાં વધુ સુધારો લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ ગુણવત્તાસભર, પારદર્શક અને કાર્યક્ષમ નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે પદાધિકારીઓ દ્વારા સમયાંતરે આ પ્રકારે સમીક્ષા બેઠકો યોજી વિવિધ વિકાસલક્ષી અને જાહેર સુવિધાઓ સંબંધિત કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે, તેમ અંતમાં જણાવાયું છે.
