સુપ્રીમ કોર્ટે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો એ સાથે જ સાવ ભૂલાઈ ગયેલો રામસેતુનો મુદ્દો ફરી ચર્ચામાં છે. સ્વામી વરસોથી રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાવવા મથે છે અને 2007માં પહેલી વાર અરજી કરેલી. ભાજપ એ વખતે સ્વામીની સાથે હતો પણ સત્તામાં આવતાં જ ભાજપે ગુલાંટ લગાવીને રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના બદલે મુદ્દાને લટકાવી દેવાની નીતિ અપનાવી છે તેથી સ્વામી પાછા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સ્વામીની અરજીના પગલે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સ્વામીની અરજી પર સુનાવણીની સંમતિ આપીને કેન્દ્રને ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.
સ્વામીનો દાવો છે કે રામસેતુ એક પુરાતત્ત્વીય સ્થળ જ નથી પણ કરોડો લોકો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર પણ છે. વૈજ્ઞાનિક અને પુરાતત્ત્વીય અભ્યાસો એ વાતનો પુરાવો છે કે રામસેતુ માનવસર્જિત માળખું છે અને તેને હિંદુઓ તીર્થસ્થાન માને છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે શું જવાબ આપે છે એ જોવાનું છે કેમ કે અત્યાર લગી આ મુદ્દે ભાજપ સરકારનું વલણ મહેતા મારેય નહીં ને ભણાવેય નહીં એવું રહ્યું છે. ’રામસેતુ’ને હેરિટેજ સાઈટ જાહેર કરીને તેનું જતન કરવાની માગણી ભાજપે જોરશોરથી ઉઠાવી હતી.
કેન્દ્રમાં ડો. મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 2012માં સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. દેશ માટે ફાયદાકારક આ પ્રોજેક્ટ ’રામસેતુ’ પરથી બનવાનો હતો પણ ભાજપે તેનો ઉગ્રતાથી વિરોધ કર્યો હતો. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હાથ ધરીને કોંગ્રેસ સરકાર દેશના કરોડો હિંદુઓની આસ્થા પર પ્રહાર કરવા માગે છે એવો આક્ષેપ કર્યો હતો. ભાજપ એ વખતે પ્રચાર કરતો કે, કોંગ્રેસની માનસિકતા હિંદુ વિરોધી હોવાથી સરકાર બીજા વિકલ્પો વિશે વિચારવાના બદલે રામસેતુનો નાશ કરવાનો જ તેનો ઉદ્દેશ છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ’રામસેતુ’ને હેરિટેજ સાઈટ બનાવવાનું વચન પણ આપેલું પણ સત્તામાં આવ્યા પછી ભાજપે આખી વાતને ભૂલાવી દીધી. બલ્કે એક રીતે હાથ જ અધ્ધર કરી દીધા છે. ભાજપ જેને હિંદુઓની શ્રદ્ધાનું કેન્દ્ર ગણાવતો હતો એ રામસેતુના અસ્તિત્વનો સુધ્ધાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારે ઈન્કાર કરી દીધેલો છે. રામસેતુનો મુદ્દો હવે કેન્દ્ર સરકારના જવાબ અને સુપ્રીમ કોર્ટના વલણ પર નિર્ભર છે પણ વધારે નિર્ભર સુપ્રીમ કોર્ટના વલણ પર છે કેમ કે ભાજપ સરકારને તો રામસેતુના મુદ્દાને ભૂલાવી દેવામાં જ રસ છે.
