રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે દીન બદીન માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં મજૂરી કામ કરતા ઉતરપ્રદેશના પરિવારના આઠ માસના માસુમનું ઝાડા-ઉલ્ટીથી મોત નીપજતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ શાપરમાં આવેલા આનંદ ગેઇટ પાસે રહેતા શ્રમિક પરિવારના મુસ્તુફા શાહરુખભાઇ વાહેદ નામનો આઠ માસનો માસુમ બે દિવસથી ઝાડા-ઉલ્ટીની બીમારીમાં સપડાતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા સારવાર કારગત નીવડે તે પૂર્વે જ માસુમે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકનો પરિવાર મુળ ઉતરપ્રદેશનો વતની છે. મૃતક બાળક તેના માતા-પિતાનો એકનો એક લાડકો પુત્ર હતો. માસુમ બાળક બે દિવસની ઝાડા-ઉલ્ટીની બીમારીમાં સપડાતા મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
