અસાધારણ સંજોગોમાં જ તારીખ મળશે, સુપ્રીમ કોર્ટનો સકર્યુલર જાહેર
અદાલતોમાં વારંવાર તારીખ લેવાની આદત પર હવે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુનાવણી ટાળવા માટેના નિયમોને વધુ કડક બનાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે ’તારીખ પે તારીખ’નો દોર લગભગ સમાપ્ત થશે અને માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ સુનાવણી મોકૂફ રાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 18 માર્ચના રોજ જારી કરેલા નવા સર્ક્યુલર મુજબ, અગાઉના નવેમ્બર અને ડિસેમ્બર 2025ના નિર્દેશોના સ્થાને હવે નવી વ્યવસ્થા લાગુ થશે: સૌથી કડક નિર્ણય ‘રેગ્યુલર કેસો’ માટે લેવાયો છે. જો કેસ લિસ્ટ થયેલો હોય, તો કોઈપણ બહાના વગર તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમાં એડજર્નમેન્ટ આપવામાં આવશે નહીં. ‘ફ્રેશ’ અને ‘આફ્ટર-નોટિસ’ કેસમાં જો કોઈ પક્ષે સુનાવણી ટાળવી હોય, તો તેણે સુનાવણીના એક દિવસ પહેલા સવારે 11 વાગ્યા સુધીમાં સામી પાર્ટીને જાણ કરવી પડશે અને તેનો પુરાવો કોર્ટને આપવો પડશે.
જો બીજી પાર્ટીને સુનાવણી ટાળવા સામે વાંધો હોય, તો તે બપોરે 12 વાગ્યા સુધીમાં ઈમેલ દ્વારા પોતાનો વિરોધ નોંધાવી શકશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અસાધારણ પરિસ્થિતિમાં જ નવી તારીખ મળશે, જેમ કે, પરિવારમાં કોઈનું અવસાન થયું હોય, કોઈ ગંભીર બીમારી હોય અથવા અન્ય કોઈ નક્કર અને વાસ્તવિક કારણ જેને કોર્ટ સંતોષકારક માને.
ફ્રેશ કેસમાં એડજર્નમેન્ટની અરજી માત્ર એક જ વાર આપી શકાશે. વધુમાં, સતત બે વાર સુનાવણી ટાળવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પછી ભલે તે માંગણી કોઈ પણ પક્ષ દ્વારા કરવામાં આવી હોય. અરજદારે એ પણ જણાવવું પડશે કે અગાઉ કેટલી વાર તારીખ લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનું આ પગલું ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા અને પેન્ડિંગ કેસોના ભારણને ઘટાડવાની દિશામાં મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે.
