રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં આજે વિરવા ગામે આશરે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવીને આશરે રૂૂપિયા બે કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વિરવા ગામમાં સરકારી ખરાબાની રેવન્યુ સ.નં.71 ની આશરે 2000 ચો.મી. જમીનમાં અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. આથી જમીન મહેસુલ કાયદાની કલમ-61 તથા 202 હેઠળ તમામ દબાણદારોને અગાઉ નોટીસ બજવણી કરવામાં આવી હતી અને સરકારી જમીન પરનો અનઅધિકૃત કબ્જો ખુલ્લો કરી આપવા જણાવવામાં આવ્યું હતું.
આ દબાણ આજદિન સુધી દૂર થયા ના હતા. આથી જિલ્લા કલેક્ટરની સુચના તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન મુજબ, લોધીકા મામલતદારએ આજરોજ વિરવા ગામે દબાણ હટાવો કામગીરી શરૂૂ કરી હતી. જે અંતર્ગત આશરે રૂૂ. બે કરોડની કિંમતની આશરે 2000 ચો.મી. જેટલી સરકારી જમીન પરનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરાવ્યું હતું. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.
