સોલાર એવોર્ડ જીતાડનારા કર્મચારીઓને ‘તઘલકી’ નિર્ણયથી ભારે અસંતોષ; 3 વર્ષથી એક જ જગ્યાએ રહેલા હજારો ટેક્નિકલ સ્ટાફને બદલીનો ચાબુક, સંઘે MDને તાકીદનો પત્ર લખ્યો, ચોમાસામાં વર્ક ટુ રૂલ અને આંદોલનની ચેતવણી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ વિભાગમાં ફરજ બજાવતા તમામ કેડરના કર્મચારીઓની સામૂહિક બદલી માટે આપેલ આદેશ સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (એજીવીકેએસ) એ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. સંઘે મેનેજિંગ ડિરેક્ટરને લખેલા તાકીદના પત્રમાં આ મનમાના અને અન્યાયી આદેશને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ કરી છે.
સંઘે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કર્મચારીઓએ સોલારને સંલગ્ન પાંચ મહત્વના એવોર્ડ મેળવવા માટે એક મહિનાની તબતોડ મહેનત કરી હતી, છતાં મેનેજમેન્ટ તરફથી તેમને બદલે આવા તઘલકી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આથી ફિલ્ડમાં કર્મચારીઓમાં ભયંકર રોષ, અસંતોષ અને માનસિક તણાવ ફેલાયો છે. તેમના પરિવારો પણ ચિંતાતુર બની ગયા છે. સંઘે જણાવ્યું કે આ પ્રકારની તઘલકી અને અન્યાયી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ચોમાસાના સમયમાં કર્મચારીઓ વર્ક ટુ રૂલ અમલ કરશે અને ત્યારબાદ સામૂહિક આંદોલન કરીને લડત આપશે. પત્રમાં સંઘે પ્રશ્ન કર્યો છે કે કંપની જો પોતાના કર્મચારીઓ પર અન્યાય કરે તો કર્મચારીઓ ન્યાય કોની પાસે માંગશે? આ પત્રની નકલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઊર્જા મંત્રી, જીયુવીએનએલના અધિકારીઓ અને પીજીવીસીએલના તમામ સર્કલ/ડિવિઝન અધિકારીઓને મોકલવામાં આવી છે. એમ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સીનિયર સેક્રેટરી જનરલ બળદેવ એસ. પટેલની યાદીમાં જણાવાયું છે.
સંઘ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દા
1. ટેકનિકલ સ્ટાફ માટે જીવલેણ જોખમ
વર્ગ-3 અને વર્ગ-4 ના લાઈન સ્ટાફને નવા વિસ્તારના લાઈન નેટવર્ક અને ટ્રાન્સફોર્મરથી અજાણ્યા હોવાથી અકસ્માતનો મોટો ભય રહેલો છે. કંપનીનો ઝીરો અકસ્માતનો લક્ષ્યાંક ખતરામાં મુકાશે, ગ્રાહકોની ફરિયાદો વધશે અને કંપનીની છબી ખરડાશે.
2. બાળકોનું શિક્ષણ અને આર્થિક નુકસાન
શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે અને ફી પણ ભરપાઈ થઈ ગઈ છે. મધ્યમાં બદલીથી બાળકોના ભણતરમાં ગંભીર નુકસાન થશે અને કર્મચારીઓને બમણું આર્થિક બોજ પડશે.
3. વસતી ગણતરીની કામગીરી અટકી જશે
વસ્તી ગણતરીમાં સામેલ કર્મચારીઓની બદલી ન કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. આવા સમયે બદલી કરવી રાષ્ટ્રીય કામગીરીમાં અવરોધ ઊભો કરશે.
4. સ્ટાફની અછત અને વહીવટી કટોકટી
જુનિયર આસિસ્ટન્ટની 300થી વધુ અને જુનિયર ઇજનેરની 100થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. આવી બદલીથી હાલના સ્ટાફ પર વધુ ભાર પડશે અને વહીવટીય કામગીરી ઠપ્પ થઈ જશે.
5. ઐતિહાસિક દાખલો અને સ્વાર્થનો પ્રશ્ન
જૂના ગુજરાત બિજુત બોર્ડથી લઈને આજ સુધી આ પ્રકારની સામૂહિક બદલી ક્યારેય કરવામાં આવી નથી. મેનેજમેન્ટના આ નિર્ણય પાછળ કોઈ સ્વાર્થ તો નથી? સંઘે સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે.
6. પરિવાર અને વતનનું જીવન અસ્તવ્યસ્ત
વતન પર ફરજ બજાવતા, વૃદ્ધ માતા-પિતા અને સામાજિક જવાબદારીઓને કારણે રહેલા કર્મચારીઓની બદલીથી સમગ્ર પરિવારની પરિસ્થિતિ વિકટ બનશે. OTM, ડેપ્યુટેશન, મેડિકલ, સ્પાઉસ અને ફિઝિકલી હેન્ડીકેપ્ડ ગ્રાઉન્ડ પર વતન મેળવેલા કર્મચારીઓની બદલીથી સરકારી-કંપની નીતિનું સીધું ઉલ્લંઘન થશે.
7. ચોમાસાની તૈયારી અને ગ્રાહકો પર અસર
ચોમાસામાં વાવાઝોડા અને અતિવૃષ્ટિના સમયે નેટવર્કથી અજાણ્યા સ્ટાફથી કામગીરી અસરગ્રસ્ત થશે. ગ્રાહકોને સમયસર વીજળી ન મળતાં કંપનીની છબી સરકાર અને લોકોમાં ખરડાશે.
8. ધોરણ 10-12ના બાળકોનું ભણતર ખોરવાઈ જશે
અનેક કર્મચારીઓના બાળકો ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે. મધ્યમાં બદલીથી તેમના ભણતરમાં મોટું નુકસાન થશે અને ઘર બદલવા-ભાડું-ટ્રાવેલિંગનો વધારાનો આર્થિક ભાર પડશે.
