સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ તિવ્ર પવન સાથે વરસાદનું યલો એલર્ટ
ચોમાસુ વિદાય લઇ રહ્યુ છે. ત્યારે આવતીકાલથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરતા હાથીઓ બેસશે જેના કારણે તા.30 સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.27 થી 30 ગુજરાતમાં અને 28થી 30 સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર દિવસ મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય અને છુટાછવાયા વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં એક તરફ, અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાંથી ગઈકાલે ચોમાસાએ વિદાય લીધાનું સત્તાવાર જાહેર કરાયું છે ત્યારે આજે તેની સાથે ચોમાસા પછીનો કમોસમી વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં વેરાવળ, વલ્લભ વિદ્યાનગરની ઉત્તરે આવેલા રાજ્યના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ છે અને બે દિવસમાં બાકીના રાજ્યમાંથી પણ વિદાય થશે પરંતુ, આ સાથે તા. 27થી 30 ગુજરાતમાં અને 28 અને તા. 30 સૌરાષ્ટ્ર કચ્છમાં એમ ચાર દિવસમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ, સોમનાથ સહિત મોટાભાગના જિલ્લામાં ગાજવીજ તીવ્ર પવન સાથે વરસાદની ચેતવણી જારી થઈ છે. પખવાડિક પૂર્વાનુમાન મૂજબ તા. 25થી 1 ઓક્ટોબર દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સાથે ઉપરોક્ત વરસાદની આગાહી છે તો આગામી બે સપ્તાહ સુધી છૂટાછવાયા વરસાદનું પ્રમાણ પણ સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે.
આવતીકાલે શનિવારથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે કે હાથીઓ બેસશે છે. વાહન મોરનું છે જે 10 ઓક્ટોબર સુધી રહેશે આ સમય દરમિયાન ગાજવીજ સાથે સારા વરસાદની સંભાવના ખરી પહેલાના જમાનામાં નળિયાના મકાન હતા હાથીઓ હોય અને હાથીઓ ગાજે એટલે ત્યારે નળિયાના મકાનમાં મોભારે સાંબેલુ સાત વાર ઠપકારતા ત્યારે સામો અવાજ પણ આવતો અને બોલતા ચાચળ જીવ જંતુ ચાચ બંધ એટલે કે ઘરમાંથી જીવ જંતુઓ દૂર થાય તેવી માન્યતાઓ પ્રચલીત છે. ત્યારે ગઇકાલે હાથીયો બેસતા જ ગુજરાતમાં મધ્યમ અને ઝાપટા સ્વરૂપે ચાર દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
