20 મહિલા સહિત 99 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, અંદાજે 288 સ્થળે થશે મતદાન
ગુજરાત બાર કાઉન્સિલની 23 બેઠકો માટે આવતીકાલે પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાનાર છે ત્યારે વકીલોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ગુજરાત બાર કાઉન્સીલની 23 બેઠકોની ચૂંટણી માટે 20 મહિલા સહિત કુલ 99 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે જેમાં રાજકોટમાંથી દિલીપ પટેલ અને અમૃતા ભારદ્વાજ સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે. તા.9મીથી મતગણતરી શરૂ થનાર છે ત્યારે એકાદ અઠવાડિયામાં પરિણામો આવવાની ધારણા છે.
બાર કાઉન્સીલની ચૂંટણી માટે નાના-મોટા તમામ બાર એસો. દ્વારા અંદાજે 288 સ્થળે મતદાન યોજાશે. એક મતદાર 23 મત આપી શકે છે. રાજ્યમાં કુલ 78 હજાર વકીલો મતદાન કરશે જેમાં રાજકોટનાં પણ 44 હજારનો સમાવેશ થાય છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં અગાઉ સૌથી વધુ મતથી ચુંટાયેલા દિલીપ પટેલ આ વખતે પણ ચૂંટણી લડી રહ્યાં છે અને સૌથી વધુ મતે ચુંટાવાનો તેમણે દાવો કર્યો છે.
ગુજરાત રાજ્યમાં વકીલાતના વ્યવસાયમાં જોડાવવા માંગતા કાયદાના સ્નાતકની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના વખતોવખત ના નિયમો અનુસાર એડવોકેટ તરીકે રજીસ્ટ્રેશન કરી સનદ મેળવવા હક્કદાર બને છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ ને સનદ આપવા ઉપરાંત એડવોકેટ વિવિધ પ્રકારના કાયદાઓ અને વિવિધ જોગવાઈઓ થી વાકેફ રહે તે માટે સેમિનાર કોન્ફરન્સ વર્કશોપનું આયોજન કરે છે. તેમજ વિવિધ જિલ્લા મથક ખાતે ન્યાયતંત્રની સાથે સંકલન કરી લોક અદાલત નું આયોજન કરે છે.
વકીલાતના વ્યવસાય માં વકીલોએ એડવોકેટ એક્ટ મુજબના એથીકનું પાલન કરવાનું હોય છે. વકીલો ની સામેની વિવિધ પ્રકારની ફરીયાદો ના બારામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત કમિટી કાયદેસર ની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલા પણ લે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની સ્થાપના બાદ બાર કાઉન્સિલ ની વિવિધ ચૂંટણીઓમાં રાજકોટ શહેર નું નોંધપાત્ર યોગદાન રહેલ છે. રાજકોટ બાર એસોસિએશનના જૂની પેઢીના સીનીયર એડવોકેટ સ્વ. પ્રભુદાસભાઈ એન. સોનેજી; પૂર્વ ધારાસભ્ય અને સીનીયર ધારાશાસ્ત્રી સ્વ. બાલકૃષ્ણભાઈ શુક્લ સીનીયર ધારાશાસ્ત્રી અને પૂર્વ ચેરમેન સ્વ.નિરંજનભાઈ દફતરી (ચાર ટર્મ) સીનીયર ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન સને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પૂર્વ વાઈસ ચેરમેન સ્વ. એન. એસ. ભટ્ટ(ચાર ટર્મ) તેમજ પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ સહિતના એડવોકેટ નું યોગદાન રહેલું છે.
