9 માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર ; 15ની મુદત વધારાઇ

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર-રાણપુર-બરવાળા યાર્ડમાં નવા હોદ્દેદારો નિમાશે, ખેડા જિલ્લાની બે, બનાસકાંઠાની ત્રણ, અમદાવાદની બે, છોટાઉદેપુરની બે સહિતની માર્કેટ યાર્ડની મુદતમાં 6 મહિનાનો વધારો ગુજરાતના ’સહકારી ક્ષેત્ર’…

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર-રાણપુર-બરવાળા યાર્ડમાં નવા હોદ્દેદારો નિમાશે, ખેડા જિલ્લાની બે, બનાસકાંઠાની ત્રણ, અમદાવાદની બે, છોટાઉદેપુરની બે સહિતની માર્કેટ યાર્ડની મુદતમાં 6 મહિનાનો વધારો

ગુજરાતના ’સહકારી ક્ષેત્ર’ અને ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના ’કૃષિ અને સહકાર વિભાગ’ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે ’એપીએમસી’ના વહીવટને લઈને બે મોટા અને વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એક તરફ રાજ્યની 09 APMC માં ચૂંટણીના પડઘમ વાગશે, તો બીજી તરફ 15 APMC ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ આ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકશાહી ઢબે વહીવટ ચાલે તે માટે જે બજાર સમિતિઓની મુદત પૂરી થઈ ગઈ છે, ત્યાં તાત્કાલિક ધોરણે ’ચૂંટણી પ્રક્રિયા’ હાથ ધરવા માટે ’ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર’ નિયામકને આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ખેડૂતો પોતાના યોગ્ય ’પ્રતિનિધિઓ’ ચૂંટી શકશે.
સરકારના આદેશ મુજબ ટૂંક સમયમાં જે 09 APMC માં ચૂંટણીનું બ્યુગલ વાગશે, તેમાં દેવભૂમિ દ્વારકાની ભાણવડ, અમદાવાદની ધોલેરા અને સાબરકાંઠાની તલોદ બજાર સમિતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મદાની સાગબારા, તાપીની કુકરમુંડા અને સુરતની કામરેજ APMC માં પણ મતદાન થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તથા બોટાદ જિલ્લાની રાણપુર અને બરવાળા APMC માં પણ ચૂંટણી યોજવામાં આવશે.

સરકારે ચૂંટણીની સાથે સાથે કેટલીક સમિતિઓને મોટી રાહત પણ આપી છે. મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં રાજ્યમાં ’મતદાર યાદી સુધારણા’ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને વહીવટી સ્ટાફ આ મહત્વપૂર્ણ કામગીરીમાં વ્યસ્ત છે. તેથી જે સમિતિઓની ટર્મ પૂરી થઈ રહી છે ત્યાં હાલના સંજોગોમાં ચૂંટણી યોજવી વહીવટી રીતે શક્ય નથી.

આ વહીવટી કારણોસર રાજ્ય સરકાર દ્વારા 15 APMC ને 06 ખજ્ઞક્ષવિંત (છ મહિના) નું ’એક્સટેન્શન’ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી હાલના હોદ્દેદારોને થોડા સમય માટે સત્તા પર રહેવાની તક મળી છે. આ સમયગાળા દરમિયાન વહીવટી કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે અને ત્યારબાદ અનુકૂળ સમયે ચૂંટણી યોજવામાં આવશે. જે 15 APMC ને મુદત વધારો મળ્યો છે તેમાં ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, જ્યારે બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરાનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાની ધોળકા અને બાવળા તેમજ છોટાઉદેપુર જિલ્લાની નસવાડી અને છોટાઉદેપુર APMC ને પણ રાહત મળી છે. આ ઉપરાંત જૂનાગઢ, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા અને અમરેલીની ખાંભા APMC પણ સામેલ છે. આમ, સરકારે વહીવટી સરળતા અને લોકશાહી પ્રક્રિયા બંને વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *