મોરબીમાં અઠવાડિયા પહેલા અકસ્માતે ગબડી પડેલા વૃધ્ધે રાજકોટ સારવારમાં દમ તોડી દીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં ગ્રીન ચોક પાસે રહેતા અભેસિંહ કાનજીભાઈ સોંઢા નામના 62 વર્ષના વૃધ્ધ ગત તા.28નાં રોજ પોતાના ઘરે અકસ્માતે ગબડી પડતાં તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. મૃતક વૃધ્ધ બે ભાઈ બે બહેનમાં મોટા હતાં અને ઈલેકટ્રીક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માંગરોળમાં રહેતી અને અભ્યાસ કરતી નંદનીબેન પરસોતમભાઈ યાદવ નામની 20 વર્ષની યુવતીએ પોતાની બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
