ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં બેફામ ચાલતી ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવવો એક નિર્દોષ વૃધ્ધ માટે જીવલેણ સાબિત થયો છે. ખનીજ માફિયાઓએ ઘરમાં ઘૂસીને કરેલા હિંસક હુમલામાં વૃધ્ધનું મોત નિપજતાં સમગ્ર ગારિયાધાર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વિરડી ગામના રહેવાસી અને સેન્ટિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 59 વર્ષીય આનંદભાઈ પુંજાભાઈ કંટારીયા ગામમાં એકલા જ રહેતા હતા, જ્યારે તેમના પત્ની, પુત્ર અને પુત્રી રોજગાર અર્થે સુરત ખાતે રહે છે. બપોરના સમયે આનંદભાઈ પોતાના ઘરે એકલા હતા, ત્યારે અગાઉથી કાવતરું ઘડીને આવેલા મહિલા સહિત પાંચ શખસોએ તેમના ઘરમાં ધસી આવીને ધોકા અને લોખંડની પાઇપ વડે તેમના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ આધેડને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં મળી આવેલા આનંદભાઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ગારિયાધારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની હાલત અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ સમગ્ર મામલે મૃતકના ભત્રીજા મોહિત કંટારીયાએ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વિરડી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે ખનીજ ખન અને ચોરી કરવામાં આવી રહી હતી. ગામના જાગૃત નાગરિક તરીકે આનંદભાઈએ આ પ્રવૃત્તિ સામે વાંધો ઉઠાવીને આ તત્વોને ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુ:ખ રાખીને જ ખનીજ માફિયાઓએ તેમના કાકા પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે.
બનાવની જાણ થતા જ ગારિયાધાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારના નિવેદનો નોંધ્યા હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં ગેરકાયદે ખનીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાંથી ઉઠી રહી છે.
