ચોમાસાની વિધિવત વિદાયના આરે પહોંચવા છતાં દેશમાં પાણીની સ્થિતિને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના લાઇવ રિઝર્વોયર સ્ટોરેજ રિપોર્ટ અનુસાર, દેશના મુખ્ય 178 જળાશયોમાં હાલમાં કુલ ક્ષમતાના માત્ર 70 ટકા જેટલો જ પાણીનો સંગ્રહ બચ્યો છે. આ આંકડો છેલ્લા એક દાયકા (10 વર્ષ) ની સરખામણીએ સપ્ટેમ્બર મહિનાના અંતમાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે, જેનાથી આગામી સમયમાં ખાસ કરીને શિયાળા અને ઉનાળામાં મોટું જળસંકટ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય જળ આયોગના અહેવાલ મુજબ, દેશભરના જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટવા માટે પિછલા સમયગાળામાં સર્જાયેલી ’અલ નીનો’ (El Nino) ની અસરો અને કેટલાક વિસ્તારોમાં અનિયમિત તથા ઓછો વરસાદ જવાબદાર છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ સૌથી વધુ નાજુક અને ચિંતાજનક બની છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોના મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ તેમની કુલ ક્ષમતા કરતાં ઘણો ઓછો નોંધાયો છે, જેના કારણે કૃષિ પાકો, પીવાના પાણી અને હાઇડ્રોપાવર (વીજ ઉત્પાદન) પર ગંભીર અસર પડવાની શક્યતા છે.
અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સરખી છે, પરંતુ દક્ષિણ અને મધ્ય ભારતના જળાશયોમાં સંગ્રહાયેલું પાણી સામાન્ય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઓછું છે.
ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે હોવાથી હવે જળાશયોમાં નવું પાણી ઉમેરાવાની શક્યતાઓ નહિવત છે. આ સ્થિતિને જોતા આગામી રવિ પાકની વાવણી અને સિંચાઈ માટે પાણીની તંગી સર્જાઈ શકે છે,
જેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડી શકે છે.
નિષ્ણાતો અને જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે જળાશયોમાં પાણીની આ નીચી સપાટીને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોએ અત્યારથી જ પાણીના વપરાશ પર સંયમ અને યોગ્ય વ્યવસ્થાપન(Water Management)અમલી બનાવવું પડશે. આગામી મહિનાઓમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે સિંચાઈ અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીનું વિતરણ અત્યંત આયોજનપૂર્વક કરવું જરૂૂરી બની ગયું છે.
