અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટ

ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ…

ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી

રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ પડયો, ચાર જિલ્લા સંપૂર્ણ કોરા

ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અલનીનોની અસરને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે.

હાલની સ્થિતિ અનુસાર રાજ્યમાં સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આશરે 83.7 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ તેની સામે માત્ર 18.1 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 91 ટકાની ઘટ રહેવા પામી છે. જ્યારે ઉત્તર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં 67 ટકા વરસાદની ઘટ આજની તારીખ એટલે કે 26મી જૂન સુધીમાં રહેવા પામી છે.

ચાલુ વર્ષે ગુજરાતમાં જૂનમાં માત્ર 2.85% વરસાદ પડ્યો છે.. જ્યારે ગત વર્ષના જૂનમાં 28% વરસાદ પડ્યો હતો. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક ઇંચથી વધારે વરસાદના આંકડા નોંધાયા હતા પણ મોટા ભાગનો વિસ્તાર કોરો રહ્યો છે. બલ્કે છેલ્લા 10 વર્ષમાં સૌથી વરસાદ આ વર્ષના જૂનમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લા કચ્છ, દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથમાં તો છાંટા પણ પડ્યા નથી.

રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની અછત જોવા મળી રહી છે. જોકે, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવાનું સામે આવ્યું છે અને આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ નથી અથવા ઓછી જોવા મળી છે.

હવામાન નિષ્ણાતોના મતે અલ નીનોની અસરને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી મળતો ભેજ તથા ચોમાસાની સિસ્ટમ પર અસર પડી શકે છે, જેના કારણે વરસાદની ગતિવિધિઓમાં વિલંબ અથવા ઘટાડો જોવા મળે છે. આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિમાં સુધારો થાય છે કે નહીં તેના પર ખેડૂતો અને સામાન્ય જનતાની નજર રહેશે.

હજુ 7 દિવસ સુધી વરસાદની શક્યતા નહીંવત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ચોમાસું સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી જ પહોંચ્યું છે. 23 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. સામાન્ય રીતે આ સમય સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ચોમાસું રાજ્યના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે. જોકે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ દરમિયાન માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 1 જુલાઈ બાદ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *