જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે વિંછીયા પોલીસે ગુંદાળા ગામ પાસે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા બે રત્ન કલાકાર મળી કુલ 8 ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે રૂૂ.1.27 લાખનો રોકડ કબજે કરી હતી.
મળતી માહિતી મુજબ, ગુંદાળા ગામે બિલેશ્વર ડુંગર પાસે આવેલી બુધાભાઈ નાજાભાઈ મિયાત્રાની વાડીના શેઢા પાસે ખરાબાની જમીનમાં કેટલાક ઇસમો એકઠા થઈને જુગાર રમી રહ્યા હોવાની ખાનગી બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે વિંછીયા પોલીસની ટીમે વોચ ગોઠવી દરોડો પાડતા જુગાર રમતા વિંછીયા તાલુકાના અજમેર અને ગુંદાળા ગામના તેમજ અમરેલી જિલ્લાના બાબરાના રહીશોનો સમાવેશ થાય છે. જેમાં મનસુખભાઇ માવજી ઝાપડીયા, રત્ન કલાકાર અજયભાઇ અરવિંદ રાઠોડ, ઘનશ્યામભાઇ જસમત બારૈયા, પ્રવિણભાઇ વીરજી નાગાણી, જસમતભાઇ ખીમા જેજરીયા, રત્ન કલાકાર હરીભાઇ સુરેશ ખશીયા, પ્રવિણભાઇ હકા ભુસડીયા અને વિજયભાઇ વિનુભાઈ કામડની ધરપકડ કરી રોકડ રકમ રૂૂ. 1,27,400 કબજે કરી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ઘનશ્યામભાઇ બારૈયા, પ્રવિણભાઇ નાગાણી અને પ્રવિણભાઇ ભુસડીયા અગાઉ પણ મારામારી અને જુગાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. આ કામગીરી વિંછીયા પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી. ડામોર તથા તેમની ટીમેં કામગીરી કરી હતી.
