CBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારો

  કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના…

 

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ બદલીને ’મામલો દબાવવાનો પ્રયાસ’ ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે માત્ર અધિકારીઓને હટાવીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બચાવી લેવામાં આવ્યા છે.રાહુલ ગાંધીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, જો વડાપ્રધાનને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં બેસેલા આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓની ખરેખર ચિંતા હોત, તો શિક્ષણ મંત્રીને બહુ પહેલા જ પદ પરથી હટાવી દીધા હોત.

તેમણે પોસ્ટમાં લખ્યું કે, સીબીએસઈ અધ્યક્ષની બદલી, સીબીએસઈ સચિવની બદલી, એક સભ્યની તપાસ સમિતિની રચના અને અસલી જવાબદાર ધર્મેન્દ્ર પ્રધાનસુરક્ષિત. અધિકારીઓને હટાવવામાં આવ્યા, પરંતુ મંત્રીને બચાવી લેવાયા. આ જવાબદારી નક્કી થઈ નથી, આ તો માત્ર દેખાડો છે. તેઓએ શિક્ષણ મંત્રીને તાત્કાલિક બરતરફ કરવાની ફરી માંગ કરી છે અને કહ્યું કે, આ સમગ્ર મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવવામાં આવે. આ કોઈ એવો આંતરિક મુદ્દો નથી જેને એક મહિનાની અંદર દબાવી દેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સીબીએસઈની ધોરણ-12ની ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિમાં કથિત ગેરરીતિઓ સામે આવ્યા બાદ બોર્ડના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી દીધી છે. આ સાથે જ ઓનલાઇન મૂલ્યાંકન પ્રણાલીની ખરીદી પ્રક્રિયાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

મંત્રીમંડળ સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, આ એક સભ્યની તપાસ સમિતિના અધ્યક્ષપદે એસ. રાધા ચૌહાણ રહેશે. આ સમિતિને જરૂૂર પડ્યે અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લેવાની સત્તા આપવામાં આવી છે. સમિતિએ એક મહિનાની અંદર પોતાનો અહેવાલ કાર્મિક અને તાલીમ વિભાગને સોંપવાનો રહેશે. સીબીએસઈની ઓન-સ્ક્રીન મૂલ્યાંકન પદ્ધતિને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગંભીર ફરિયાદો ઉઠાવી હતી, જેના કારણે આ વિવાદ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *