રાજકોટ જીલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ધરા ધૃજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરે (ISR) જાહેર કરાયેલા આંકડા અનુસાર, 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 04:57 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો નોંધાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટા શહેરથી 26 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું હતું. તેની ઊંડાઈ જમીન સપાટીથી 12 કિલોમીટર નીચે હતી. વહેલી સવારે આંચકા અનુભવાયા હોવા છતાં, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી ઘણાને આ આંચકાનો ખ્યાલ પણ નહોતો આવ્યો.
ભૂસ્તરશાસ્ત્રીઓ અનુસાર, સૌરાષ્ટ્રની ભૌગોલિક રચનામાં ફોલ્ટ લાઈન્સ સક્રિય રહેતી હોવાથી આવા નાના આંચકા સામાન્ય છે. 2.7ની તીવ્રતાનો આંચકો ભયજનક નથી, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.
