ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા ગાયત્રી આશ્રમે પૂ. સંત લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય સંત લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પૂણ્ય પ્રાપ્ત કર્યા હતા.
આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા. આ અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા, ભુપેન્દ્ર ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, અંબરીશ ડેર, તૃપ્તિબા જાડેજા ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે 1100 થી વધુ ભાવિક ભક્તોએ પૂ. લાલબાપુનું પુજન કરી શિષ્યભાવ પ્રગટ કર્યો હતો. એક સાથે દોઢ લાખથી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન પણ કરી લેવાયું હતું.
દત્તજયંતિ સમારોહમાં પૂ. સંત લાલબાપુએ મનુષ્ય જ નહીં, અબોલ જીવોની પણ ખેવના કરી છે અને પૂ. લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકા તમામે તમામ 52 ગામમાં ગૌમાતા માટે નીરણ, ચકલા માટે ચણ, કુતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે કિડિયારું પુરવામાં આવેલ. જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે બે કલાકે હેલી પેડ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા આવ્યા હતા. આવતાની સાથે જ સૌ પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ પૂ. લાલ બાપુની નીશ્રામાં ચાલી રહેલ ગુરુ પૂજન ખાતે પૂ. લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
