મોટાભાઈ વિવેક ભેડા પણ 2021ની બેચના IPS, એક જ પરિવારમાં બે બે ઝળહળતા સિતારા
આવકવેરા અધિકારીની 78મી બેચના વિદાય સમારંભમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને આઈટી-ઓપરેશન્સના અન્ય ત્રણ ગોલ્ડ મેડલ પણ જીત્યા
બુધવાર 15 એપ્રિલના રોજ નાગપુર સ્થિત નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ખાતે ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા) અધિકારી તાલીમાર્થીઓના 78મા બેચનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાજરી આપી હતી. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું ગૌરવ એવા IRS અધિકારી દુષ્યંતભાઈ પ્રવિણભાઈ ભેડાનું રાષ્ટ્રપતિએ ચાર ગોલ્ડ મેડલ આપી સન્માન કર્યું હતું.
મૂળ ઉપલેટા (હાલ રાજકોટ)ના પ્રો.પી.ડી.ભેડાના સુપુત્ર અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના પોલીસ અધિક્ષક વિવેક ભેડા(IPS-2021)ના નાના ભાઈ દુષ્યંતભાઈ પ્રવિણભાઈ ભેડાએ UPSC પાસ કરીને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પસંદગી પામ્યા હતા.
જે અંતર્ગત તેમની ટ્રેનિંગ નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ નાગપુર ખાતે ચાલતી હતી. તેમની ટ્રેનિંગ દરમિયાન અલગ અલગ કેટેગરીમાં તમામ ઉમેદવારોમાં દુષ્યંતભાઈ ભેડાએ સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
જેમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા ઓપરેશન્સ વિભાગમાં ટોપ કર્યું હતું. જે માટે વિદાય સમારંભ દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુના વરદ્દ હસ્તે 3 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
તેમજ 78મી બેચના સૌથી બેસ્ટ ટ્રેઈની ઓફિસર તરીકેનો નાણા મંત્રીનો ગોલ્ડ મેડલ પુરષ્કાર પણ તેમને મેળવ્યો હતો. આ મેડલ પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુના વરદ્દ હસ્તે એનાયત કરાયો હતો.
આ સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના નાગરિક દ્વારા દાખલ કરાયેલા દરેક આવકવેરા રિટર્ન પાછળ સખત મહેનત, આકાંક્ષા અને સાહસની વાર્તા છુપાયેલી હોય છે. IRS અધિકારીઓની જવાબદારી ફક્ત કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની નથી, પરંતુ તે સુનિશ્ચિત કરવાની પણ છે કે બધા નાગરિકો, ખાસ કરીને સમાજના વંચિત વર્ગના લોકો સાથે ગૌરવ અને ન્યાયી વર્તન કરવામાં આવે. તેમને તમામ ટ્રેઈની અધિકારીંઓને ટ્રેનિંગ પૂર્ણ કરવા બદલ અભીનંદન પણ પાઠવ્યા હતા.
