ચિન્મય મિશન દક્ષિણ આફ્રિકાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોઇ ‘મેન ટુ હનુમાન‘ નામે એક અભૂતપૂર્વ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન ડરબનમાં કરાયું છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઊઠવાની છે. આગામી 5 જુલાઈ, 2026ના રોજ ડરબનના ચેટ્સવર્થ સ્ટેડિયમમાં દસ હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે અને હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ કરવાના છે.
સ્ટેડિયમમાં હાજર દસ હજાર કરતાં પણ વધારે ભક્તો સાથે મળીને સામૂહિક રીતે હનુમાન ચાલીસાના 27 પાઠ કરશે. આ રીતે દક્ષિણ આફ્રિકા અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવ, સમૃદ્ધિ અને કલ્યાણ અર્થે ટોટલ 2,70,000 હનુમાન ચાલીસાના પાઠનો એક ભવ્ય મહાકુંભ યોજાશે.
આ ભવ્ય આયોજન ચિન્મય મિશનના સ્વામી અભેદાનંદજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ થવાનું છે. તેમનો ઉદ્દેશ્ય છે કે એક એવું મંચ તૈયાર કરવું કે જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા હિન્દુ સમુદાયના લોકો ભક્તિની સહિયારી ભાવના સાથે ભેગા થાય. આ આયોજનની વિશિષ્ટતા એ છે કે પદ્મશ્રી ભજનસમ્રાટ અનુપ જલોટા અને જાણીતી પ્લેબેક સિંગર અને એક્ટ્રેસ અનુજા સહાય પણ જોડાશે.
હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત આખું સ્ટેડિયમ દસ હજાર ભગવા ધ્વજોથી દૈદીપ્યમાન થશે. અહીં 25,000 પરંપરાગત ‘હનુમાન રોટ‘નો ભોગ ધરાવવામાં આવશે, જે દક્ષિણ આફ્રિકાની હિન્દુ પરંપરાનો એક અભિન્ન હિસ્સો છે. આનંદની વાત એ છે કે ‘ફ્લાવર ઓફ ફ્લોર‘ નામની સામુદાયિક પહેલ અંતર્ગત ભક્તોએ આ મહાપ્રસાદ તૈયાર કરવા લોટ, માખણ, ઘી અને ખાંડ જેવી સામગ્રીઓ સ્વેચ્છાએ દાનમાં આપી છે.
