દુષ્કાળના કારણે નર્મદા જ ગુજરાતની મૈયા

રાજ્યના જળાશયોમાં ગતવર્ષ કરતા 34 ટકા જળસંગ્રહ ઓછો, મુખ્ય 17 ડેમમાં ફકત 8840 મિલિયન ક્યુબિક મીટર પાણી ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનો…

રાજ્યના જળાશયોમાં ગતવર્ષ કરતા 34 ટકા જળસંગ્રહ ઓછો, મુખ્ય 17 ડેમમાં ફકત 8840 મિલિયન ક્યુબિક મીટર પાણી

ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના મોટાભાગના જળાશયોની સ્થિતિ નબળી બની છે. અલનીનોની અસરથી ચોમાસું નબળું રહેતાં ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, સરદાર સરોવર ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવો રાજ્ય માટે રાહતના સમાચાર છે.

નવેમ્બર 2025માં ગુજરાતના કુલ 206 જળાશયોમાં 15,284.37 એમસીએમ પાણીનો જથ્થો હતો, જે આ વખતે ઘટીને 10,103 એમસીએમ થયો છે. એટલે કે એક વર્ષમાં પાણીના જથ્થામાં 5,181.37 એમસીએમનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, રાજ્યના 17 મુખ્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો 12,783.78 એમસીએમથી ઘટીને 8,840.65 એમસીએમ થયો છે. આમ, મુખ્ય જળાશયોમાં 3,943.13 એમસીએમ પાણી ઘટ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. ભાવનગરના શેત્રંજી સિવાયના ડેમ ડુકયા લાગ્યા છે.
રાજ્યમાં આ વર્ષે (2026) વખતે 811.96 મિ.મી વરસાદ નોંધાયો છે, જે સરેરાશના 89.34 ટકા થાય છે. તેની સરખામણીએ ગત વર્ષે (2025) નવેમ્બર મહિના સુધીમાં 1,061.80 મિ.મી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશના 119.13 ટકા હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે રાજ્યમાં 249.84 મિમી ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની ટકાવારીમાં પણ 29.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સરદાર સરોવર ડેમમાં આ વખતે પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીએ વધુ છે. નવેમ્બર 2025માં ડેમમાં 9,369.82 એમસીએમ પાણીનો જથ્થો હતો, જે આ વખતે વધીને 9,440.68 એમસીએમ થયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેમમાં 70.86 એમસીએમ વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો હોવા વચ્ચે સરદાર સરોવર ડેમની આ સ્થિતિ રાહતના સમાચાર સમાન છે. જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યા નર્મદાના પાણી વિતરણનું નેટવર્ક નથી ત્યાં ઉનાળામાં લોકોની કસોટી થવાની પુરી શકયતા છે.

90 ટકાથી વધુ પાણી ધરાવતા જળાશયો 151થી ઘટીને 35 થયા
ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યના 151 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 35 જળાશયો રહ્યા છે. બીજી તરફ, ગત વર્ષે 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો ધરાવતા જળાશયોની સંખ્યા 30 હતી, જે આ વર્ષે વધીને 147 થઈ છે. આમ, એક જ વર્ષમાં જળાશયોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ આંકડા રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *