શાપરમાં દારૂના નશામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી
ગોંડલમાં મધરાત્રે તાજીયા જોઈને પરત ફરતો યુવાન દારૂના નશામાં પુલ ઉપર બેઠો હતો તે દરમિયાન યુવાને બેલેન્સ ગુમાવી દેતાં નદીમાં ખાબકયો હતો. યુવકને ઈજા પહોચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં સરકારી દવાખાના પાસે રહેતો આશિષ અશોકભાઈ મકવાણા નામનો 18 વર્ષનો યુવાન રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં તાજીયા જોઈને પરત ફરતો હતો તે દરમિયાન દારૂના નશામાં સરકારી દવાખાના પાસે આવેલી નદીના પુલ ઉપર બેઠી ગયો હતો. પુલ ઉપર બેઠેલા યુવાને બેલેન્સ ગુમાવી દેતાં નદીમાં ખાબકયો હતો.
યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં આવેલા શિવનગરમાં રહેતા માવજીભાઈ સોમાભાઈ પરમાર નામના 55 વર્ષના આધેડે દારૂના નશામાં ફિનાઈલ પી લીધું હતું. આધેડની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (તસવીર: મુકેશ રાઠોડ)
