બિહારમાં રહેતો યુવાન પોતાનો ટ્રક લઈને કચ્છથી માલ ભરી પરત ફરી રહ્યો હતો ત્યારે રતનપરના પાટીયા પાસે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાને સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બિહારમાં રહેતો રોશનકુમાર રંગબદાણી પાલ નામનો 28 વર્ષનો યુવાન ગત તા.8 ના રોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનો ટ્રક લઈને રતનપરના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં રોશનકુમાર પાલને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોશનકુમાર પાલે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પૂછપરછમાં રોશનકુમાર પાલ ચાર ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક વર્ષનો પુત્ર છે. રોશનકુમાર પાલ કચ્છથી માલ ભરીને બિહાર જતો હતો ત્યારે રતનપરના પાટીયા પાસે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.