રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં વિકાસના કામોની સાત દરખાસ્તને મંજૂરી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 175ની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. નવા ચેરમેન તુષાર સુમેરાએ બોર્ડ બેઠકમાં રજૂ થયેલ ચાર દરખાસ્તો અંગે ચર્ચા કરી અધિકારીઓના અભિપ્રાય સાથે તમામ દરખાસ્તનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી અગત્યની સુચિત કરાયેલ નગરયોજના નં. 76ની હદમાં સુધારો અને પરાપિપળિયા ટીપી સ્કીમ નં. 76/1 અને 76/2નું ક્ષેત્રફળ હદ નક્કી કરી તેનો ડ્રાફ્ટ તૈયાર કરવાની દરકાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જેના લીધે પરાપીપળિયા વિસ્તારના 100 એક્ટર જમીન ઉપર વિકાસના કામોને વેગ મળશે. તેમ ચેરમેન તુષાર સુમેરાએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજરોજ 175મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા માટે બેઠક યોજાયેલ જેમાં ચાર દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જે પૈકી સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર યોજના નં.76ની નક્કી થયેલ હદમાં સુધારો કરી નવી કૂલ 2 સૂચિત નગર રચના યોજના નં.76/1 (પરાપીપળીયા) જેનું ક્ષેત્રફળ 91.50 હેક્ટર અને 76/2 (પરાપીપળીયા)જેનું ક્ષેત્રફળ 100.67 હેક્ટરની હદ નક્કી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સત્તામંડળના વિસ્તારમાં ભવિષ્યની સૂચિત નગર રચના યોજના બનાવવા અને દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજના બનાવવા માટે ટી.પી./ડી.પી. સેલ/સર્વે યુનિટમાં તદ્દન હંગામી ધોરણે આઉટસોર્સ સ્ટાફની નિમણૂંક કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
રૂડા હસ્તકના કુવાડવાગામે (અમદાવાદ નેશનલ હાઇવે) થી કુવાડવા-સરધાર સ્ટેટ હાઇવે (ભાવનગર સ્ટેટ હાઇવે)ને જોડતા 30.0 મી. ડી.પી. રસ્તાના બાંધકામને મંજૂરી આપી. સત્તા મંડળ વિસ્તારમાં હોર્ડીંગ્સ બોર્ડ અને કોમ્યુનિકેશન ટાવર લગાવવાનીતિ અમલમાં આવેલ હતી જેના નવા ભાવો બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતાં. રૂડાની બોર્ડ બેઠકમાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા આરએમસીના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા.
રિંગરોડ-2 ફોરલેન બનાવવાનું કામ શરૂ
રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થાના સંકલન માટે રીંગરોડ-2નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે કામચલાઉ સિંગલપટ્ટી રોડ શરૂ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રીંગરોડ મહાનગરપાલિકા અને રૂડાની હદમાં આવતો હોય બન્ને વિભાગ દ્વારા રિંગરોડ-2 ફોરલેન કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ મનપાએ અટલ સરોવર વિસ્તારમાં બીઆરટીએસ કોરીડોર અને સિમેન્ટ રોડનું કામ પૂર્ણ કર્યુ છે. અને જામનગર રોડથી ગોંડલ રોડ સુધીના રીંગરોડ-2ના ફોરલેનના કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાનું જાણવા મળેલ છે અને અમુક સ્થળે કામ શરૂ થયાનું પણ જાણવા મળેલ છે.