ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ આજે ફરી એક વાર ક્ષત્રિયો એકમંતચ પર આવ્યા હતા. રુપાલા વિવાદ ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની અવગણના અને ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડીના અપમાન મુદ્દે આજે ફરી એક વાર અમદાવાદમાં ક્ષત્રિય સમાજનુ મહાસંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા, મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સંમેલન દરમિયાન મંચ પરથી રાજ શેખાવતે ધમકી આપી હતી કે, અમને મજબૂર ના કરો નહીં તો અહીંથી વિધાનસભામાં કૂચ કરી દઈશું. અને મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીના ઘરમાં ઘૂસી જઇશું.
મળતી માહિતી મુજબ આજે અમદાવાદના કુંજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું હતુ. આ સંમેલન ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા બોલાવવામાં આવ્યું હતુ. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર, આગેવાનોના વ્યાપાર પર થયેલા પ્રહાર તથા રાજકીય ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા સંદર્ભે જવાબ આપવા બોલાવવમાં આવ્યું છે.
આ સંમેલનમાં આવનારા ક્ષત્રિયોના આઈડી પ્રૂફ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા રાજ શેખાવતે ધમકી આપી હતી કે, પોલીસ પ્રસાશન કાન ખોલીને સાંભળી લો અમને મજબૂર ના કરો નહીં તો અહીંથી વિધાનસભામાં કૂચ કરી દઈશું. અમને મજબૂર ના કરો નહીં તો મુખ્યમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું. અમને મજબૂર ના કરો નહીં તો ગૃહરાજ્ય મંત્રીના ઘરમાં ઘૂસી જઇશું.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, ક્યારેય આગેવાન પર પ્રહાર થાય તો ક્યારેક સરકારી સંપત્તિને નુકસાન કરવું નહીં. તમારે મોટી સંખ્યામાં ધારાસભ્યના ઘરમાં ઘૂસી જવાનું છે. સાંસદના ઘરમાં ઘૂસી આક્રમકતા કરવાની છે. જેથી આ બધા ગાંધીનગર અને દિલ્હી ફોન કરશે. આમ તેમણે લોકોને ધારાસભ્ય-સાંસદોના ઘરમાં ઘૂસી જવાનું જેથી આગેવાનને છોડવા માટે ફોન કરશે તેમ જણાવ્યુ હતુ.
