કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને વધુ એક કડવો ડોઝ આપીને રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દીધા. મોદી સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂૂપિયાનો વધારો ઝીંકી દીધો છે અને રાંધણ ગેસનો ભાવવધારો માત્ર સામાન્ય સિલિન્ડર પર જ નહીં પણ ઉજજવલા યોજનાના લાભાર્થીઓને પણ લાગુ પડવાનો છે એ જોતાં મધ્યમ વર્ગ અને ગરીબ બંનેને મોદી સરકારે મોંઘવારીનો ફટકો માર્યો છે. કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધાર્યા એ પહેલાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડડ્યૂટીમાં પણ બે રૂૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરેલી.
તેના કારણે સૌને લાગેલું કે, પેટ્રોલ-ડીઝલ બે રૂૂપિયા મોંઘું થઈ ગયું પણ આ જાહેરાતના અડધા કલાક પછી જાહેરાત કરાઈ કે, પેટ્રોલ ડીઝલનો ભાવવધારો ઓઈલ કંપનીઓ ઉઠાવશે તેથી ભાવ નહીં વધે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 19.90 રૂૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 15.80 રૂૂપિયા એકસાઇઝ ડડ્યૂટી વસૂલ કરતી હતી. આ વધારા પછી, પેટ્રોલ પર પ્રતિ લિટર 21.90 રૂૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 17.80 રૂૂપિયા ડ્યૂટી લાગશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધારીને લોકોને રાહત આપતાં હોય એવું ચિત્ર ઉભું કર્યું પણ વાસ્તવમાં આ જાહેરાત મોદી સરકારની ખોરી દાનતનો વધુ એક પુરાવો છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં સરકાર મોંઘવારીથી પિડાતી પ્રજાને થોડીક રાહત આપી શકે તેમ હતીં પણ તેના બદલે સરકારને પોતાની તિજોરી ભરવામાં અને લોકોને ખંખેરવામાં રસ છે.
ક્રૂડ ઓઇલ ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે એ જોતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા જોઈએ. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 12 ટકા ઘટ્યું હતું. સોમવારે પણ બ્રેન્ટ ક્રૂડ 4 ટકા ઘટીને 64 ડોલરની નીચે આવી ગયું છે. ક્રુડના ભાવમાં થયેલા 16 ટકા ઘટાડાને જોતાં મોદી સરકાર ધારે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચેક રૂૂપિયાનો ઘટાડો કરી શકે તેમ હતીં પણ તેના બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી વધારીને ભાવઘટાડાનો લાભ કોને આપવાના બદલે પોતાની તિજોરી ભરવામાં કરી લીધો. આ એક્સાઈઝ ડ્યૂટી હવે ઘટવાની નથી એ જોતાં ભવિષ્યમાં ક્રૂડના ભાવ વધે ત્યારે ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે. હરદીપ પુરીએ અત્યારે ગાજર લટકાવ્યું છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે પણ ક્યારે ઘટાડો થશે એ કહ્યું નથી. ખાલી એટલું કહી દીધું કે, ફૂડ ઓઇલના ભાવમાં વધુ ઘટાડો થતો રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
