રાણપુર તાલુકાના જાળીલા ગામે શ્વાનોએ 40 ઘેટાનું મારણ કર્યુ

વાડામાં ઘૂસીને 8 શ્વાને આતંક મચાવ્યો,પશુપાલકે માંડમાંડ ભગાડ્યા, પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા…

વાડામાં ઘૂસીને 8 શ્વાને આતંક મચાવ્યો,પશુપાલકે માંડમાંડ ભગાડ્યા, પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા શ્વાનોએ લોહિયાળ શિકાર ખેલતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાળીલા ગામે પશુપાલકના વાડામાં ઘૂસી ગયેલા 7થી 8 શ્વાનોએ એકસાથે 40 જેટલા ઘેટાંને ફાડી ખાતા જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ છે.જાળીલા ગામના પશુપાલક ધના રાઘા સાચલાના વાડામાં અંદાજે 70 જેટલા ઘેટાં બાંધેલા હતા. ગત મોડી રાત્રે અચાનક 7થી 8 જેટલા શિકારી શ્વાનો વાડામાં ત્રાટક્યા હતા. શ્વાનોએ હિંસક હુમલો કરી 40 જેટલા ઘેટાંના મારણ કર્યા હતા. વહેલી સવારે જ્યારે પશુપાલક વાડામાં પહોંચ્યા ત્યારે આ કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટના જાળીલા ગામના ધનાભાઈ સાચલાના વાડામાં બની હતી.

અંદાજે 7 થી 8 જેટલા કૂતરાઓ રાત્રિના સમયે વાડામાં ઘૂસી ગયા હતા અને 70 ઘેટાઓ પર હુમલો કર્યો હતો, જેના પરિણામે 40 ઘેટાંના મોત થયા હતા.ઘટનાની જાણ થતાં જ જાળીલા ગામના સરપંચ, ગામના આગેવાનો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.રાણપુર પશુ દવાખાનાના ડોક્ટરને જાણ કરાતા, તેઓ પણ પોતાની ટીમ સાથે તાત્કાલિક જાળીલા ગામે પહોંચ્યા હતા. પશુ ડોકટરોની ટીમે મારણ થયેલા ઘેટાં અને સમગ્ર ઘટનાની સ્થળ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ મુજબ 7 થી 8 જેટલા શિકારી શ્વાનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાય છે. મૃતક ઘેટાં પૈકી 2 ઘેટાંનું પોસ્ટમોર્ટમ (ઙખ) કરવામાં આવ્યું છે અને તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક ઘેટાના માલિક પશુપાલકની વળતરની માગ
એકસાથે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થતા માલધારી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે સ્થાનિકો દ્વારા આ ગંભીર ઘટના નો ભોગ બનેલ પશુપાલક માટે સરકાર,પશુપાલન વિભાગ અને વહીવટી તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ પણ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *