ખ્રિસ્તી શિક્ષકો ધર્મ પરિવર્તન કરાવે છે? મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ

આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓમાં 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી છે અને ધર્માંતરણ કરાવે છે: બાપુ મને હાથે લખેલી એક ચીઠ્ઠી મળે છે જેમાં આદિવાસી શિક્ષકો ધર્માંતરણ…

આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓમાં 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી છે અને ધર્માંતરણ કરાવે છે: બાપુ

મને હાથે લખેલી એક ચીઠ્ઠી મળે છે જેમાં આદિવાસી શિક્ષકો ધર્માંતરણ કરી રહ્યાનું લખ્યું છે, ભગવદ્ ગીતા પણ નથી શીખવી રહ્યા: શિક્ષણમંત્રી પાનશેરીયા

ગુજરાતના આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓમાં 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી હોવાની અને તેઓ ધર્મ પરિર્વતનમાં સામેલ હોવાની કથાકાર મોરારીબાપુએ કરેલી ટિપ્પણી બાદ નવા જ વિવાદે જન્મ લીધો છે. રાજ્ય સરકારે મોરારીબાપુના આ નિવેદનને ગંભીરતાથી લીધુ છે. તો કોંગ્રેસ, ખ્રિસ્તી સમાજ અને ભાજપના જ એક માત્ર ધારાસભ્ય મોહન કોકણીએ પણ આ નિવેદન સામે સવાલો ઉઠાવ્યા છે.

પ્રસિધ્ધ રામ કથાકાર મોરારી બાપુએ તાજેતરમાં ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે ગુજરાતની સરકારી શાળાના 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી છે અને ધર્મ પરિવર્તનમાં સામેલ છે.

બાપુએ જ્યાં આ ટીપ્પણી કરી હતી તે કથામાં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ હાજર હતા. બાપુની ટિપ્પણીથી રાજ્યના એકમાત્ર અને ભાજપના પ્રથમ ખ્રિસ્તી ધારાસભ્ય મોહન કોકની પણ નારાજ થયા છે.
દરમિયનામાં આ અંગે શિક્ષણ મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે આવી ફરિયાદો એકત્રિત કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 13-14 માર્ચના રોજ તાપી જિલ્લાના સોનગઢમાં યોજાયેલી તેમની એક કથાના વીડિયોમાં બાપુ એમ કહેતા સંભળાય છે કે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા શીખવવામાં આવે છે તે સારી વાત છે. પરંતુ સમસ્યા એ છે કે 75 ટકા શિક્ષકો ખ્રિસ્તીઓ છે જે આવું થવા દેતા નથી. તેઓ સરકાર પાસેથી પગાર લે છે અને લોકોનું ધર્માંતરણ કરે છે. આપણે આ વિશે જાગૃત રહેવાની જરૂૂર છે.

મોરારી બાપુ એમ પણ કહે છે કે તેમને એક સરકારી શિક્ષકનો એક પત્ર મળ્યો છે જેમાં આવી ફરિયાદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સોનગઢના ગુણસદા સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી કથામાં હાજર રહેલા પાનશેરિયાને ફરિયાદ સોંપી છે.

પાનશેરિયાએ જણાવ્યું હતું કે મને એક હાથેથી લખેલી, અનામી ચિઠ્ઠી સોંપવામાં આવી હતી, જે એક શિક્ષકની હોવાનું કહેવાય છે. જેમાં ફરિયાદ કરાઇ છે કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો બળજબરીથી વિદ્યાર્થીઓનું ધર્માંતરિત કરી રહ્યા છે.

મેં પણ આ વાત ત્યાંના સ્થાનિક શિક્ષકો પાસેથી અને ત્યાંના લોકો પાસેથી સાંભળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સમગ્ર આદિવાસી પટ્ટો શબરી માતાનું અનુસરણ કરી તેમની પૂજા અર્ચના કરતો હતો પરંતુ છેલ્લા 40 વર્ષમાં ખાસ કરીને તાપી જિલ્લામાં મોટા ભાગના આદિવાસીઓ ખ્રિસ્તી છે. શાળાઓમાં પણ એવા ખ્રિસ્તી શિક્ષકો છે જેઓ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવે છે. તેઓ વિદ્યાર્થીઓને ભગવદ ગીતા પણ નથી શીખવી રહ્યા, જે ચાલુ શૈક્ષણિક સત્રથી ફરજિયાત બનાવાયું છે.

પાનશેરિયાએ કહ્યું કે અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ જો બદઇરાદાથી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે, તો તેની તપાસ કરવામાં આવશે અને તેને રોકવામાં આવશે. અમે આવી ફરિયાદો એકત્રિત કરીશું, તેની ચકાસણી કરાવીશું અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન શિક્ષકોની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલે પણ બાપુના આક્ષેપોની તપાસની માગણી કરી છે.તેમણે જણાવ્યું હતું કે દાંતાથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટાની શાળાઓની તપાસ થવી જોઈએ અને જો શિક્ષકો ધર્મ પરિવર્તનમાં સંડોવાયેલા હોય તો તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ.

આજ સુધી કોઇ ફરિયાદ મળી નથી, તણાવ પેદા કરવા પ્રયાસ: તુષાર ચૌધરી
ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષકોની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે, અને તેઓ નિયત અભ્યાસક્રમ ભણાવે છે. આદિવાસી હિંદુઓના ધર્મ પરિવર્તનમાં ખ્રિસ્તી શિક્ષકોની સંડોવણીની અમને આજ દિન સુધી કોઈ ફરિયાદ મળી નથી. મોરારી બાપુના નિવેદનોને અમે વખોડી કાઢીએ છીએ, અને જિલ્લામાં સુખેથી રહેતા હિન્દુઓ અને ખ્રિસ્તીઓમાં તણાવ પેદા કરવા માટે આમ કરવામાં આવ્યું છે. ચૌધરીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં આવો કોઈ મુદ્દો નથી, અને જિલ્લામાં એવું કોઈ ગામ નથી કે જ્યાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે સંઘર્ષ હોય. 2009માં મેં ગામમાં ચર્ચની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ બતાવે છે કે સદીઓથી તાપી જિલ્લામાં ખ્રિસ્તીઓ છે.

મોરારિબાપુના દાવાઓને કોઇ આધાર નથી; પુરાવા આપે: ભાજપના ધારાસભ્ય
તાપી જિલ્લાના વ્યારા ભાજપના ધારાસભ્ય મોહન કોકનીએ જણાવ્યું હતું કે, મોરારી બાપુએ કરેલા દાવાઓનો કોઈ આધાર નથી. અમને જિલ્લામાં ખ્રિસ્તી ધર્મના કોઈ પણ શિક્ષકના ધર્મ પરિવર્તનમાં સામેલ હોવાના આક્ષેપો અથવા ફરિયાદો મળી નથી. બાપુએ તેમના નિવેદનોના પુરાવા આપવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1970 પહેલાં આદિવાસી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણનો અભાવ હતો. મિશનરીઓ આરોગ્ય સંભાળ અને શિક્ષણ લઈને આવ્યા અને લોકોએ તેમનો સ્વીકાર કર્યો. આ મિશનરીઓએ અમારા જિલ્લાના આદિવાસીઓને મદદ કરી હતી અને તેમને બીજી કોઈ બાબતની લાલચ આપી નથી.

તેઓ નવો વિવાદ ઊભો કરવા માંગે છે: હરેશ ગામિત
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કામ કરતી સંસ્થા સમસ્ત ખ્રિસ્તી સમાજના તાપીના પ્રમુખ હરેશ ગામિતે જણાવ્યું હતું કે આ ખોટા આક્ષેપો છે. જો આવો કોઇ કેસ હોત તો ઓછામાં ઓછી એક એફઆઈઆર થઈ હોત. સરકાર પાસે કેટલાક પુરાવા હોત. અમે (ખ્રિસ્તીઓ) અહીં બહુમતી છીએ. આ જ કારણ છે કે તેઓ નવો વિવાદ ઊભો કરવા માગે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ખુલ્લેઆમ ચર્ચા કરવા તૈયાર છીએ. અમે કહીએ છીએ કે આદિવાસીઓ હિન્દુ નથી તો પછી તમે કેવી રીતે કહી શકો કે તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે? તેઓ દરરોજ તાપી જિલ્લાને બદનામ કરવા માટે ધર્માંતરણના આવા નિવેદનો આપતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *