જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ કારોબારીમાંં મંજૂર

ગુજરાતમાં પ્રથમ વખત જિલ્લા અને તાલુકા દીઠ પ્રાકૃતિક કેન્દ્રો ઊભા કરવામાં આવશે, શહીદોના પરિવારને અપાતી રકમમાં કરાયો વધારો રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે…

ગુજરાતમાં પ્રથમ વખત જિલ્લા અને તાલુકા દીઠ પ્રાકૃતિક કેન્દ્રો ઊભા કરવામાં આવશે, શહીદોના પરિવારને અપાતી રકમમાં કરાયો વધારો

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે યોજાય હતી. આ બેઠકમાં વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કુલ 1193.68 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં આ વખતે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ શહીદોના પરિવારને પહેલા એક લાખની રકમ આપવામાં આવતી હતી. જે ડબલ કરીને હવે બે લાખ રૂૂપિયા આપવામાં આવશે. તેમજ મોટા ગ્રામની પંચાયત કચરીઓ પણ બનાવવામાં આવશે. આ વખતે આ બજેટમાં દેશની સુરક્ષા કાજે શહીદ થનાર સૈનિકના પરિવારને અપાતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અને 1 લાખથી વધારીને 2 લાખ કરવામાં આવી છે.

જ્યારે પંચાયત સેવાના વર્ગ-3 અને 4 ના કર્મચારીઓના ચાલુ ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં નાણાકીય સહાય 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.વિચરતી વિમુક્તિ જાતિની દીકરીઓ માટે 20 લાખની શિક્ષણ સહાય અને આંગણવાડીઓના બ્યુટિફિકેશન માટે 20 લાખ ફાળવાયા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્રો ઊભા કરવા 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પશુ દવાખાનાઓના મકાનોના મરામત અને મોર્ડનાઈઝેશન માટે પણ 10 લાખ ખર્ચવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન મેળાઓ, આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સના તાલીમ કાર્યક્રમો માટે 7 લાખ ફાળવવામાં આવ્યા છે, જેથી ગ્રામીણ બાળકો પણ આધુનિક યુગ સાથે કદમ મિલાવી શકે. રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાન હેઠળ પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા 10 લાખની જોગવાઈ છે. આ ઉપરાંત, ડાયાબિટીસ અને લોહીની તપાસ માટેના સાધનો તેમજ ફોગિંગ મશીનો માટે 18 લાખ ફાળવાયા છે. જળ સંચય અને સિંચાઈની સુવિધા માટે તળાવો-નહેરોના દેખરેખ માટે 40 લાખ અને વરસાદી પાણીના સંગ્રહ માટે 35 લાખ ફાળવવામાં આવ્યા છે.

 

બાંધકામ શાખા દ્વારા 26 કામોના ટેન્ડર હેઠળ 20.39 કરોડ મંજૂર કરાયા છે. જેમાં 15 આંગણવાડી, 96 નવી ગ્રામ પંચાયત બિલ્ડિંગ અને 02 રસ્તાઓના કામોનો સમાવેશ થાય છે. સમાજ કલ્યાણ શાખા હેઠળ જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે પછાત વસ્તીના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે રસ્તા પર પેવર બ્લોક નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજ્ય સમકારી નિધિમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિવિધ સમિતિના સભ્યો અને શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *