કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેમ નિકાલ કરો, ‘દાદા’ની તાકીદ

મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઓચિંતા જોડાઇ મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને…

મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઓચિંતા જોડાઇ મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. દર મહિનાના ચોથા બુધવારે યોજાતા ’જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’માં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ મુખ્યમંત્રી અચાનક ઓનલાઈન જોડાઈ ગયા હતા. ગાંધીનગરથી વિડીયો વોલ મારફતે મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના કાર્યક્રમમાં હાજરી આપીને તેમણે સીધા જ અરજદારોની રજૂઆતો સાંભળી હતી. આ સરપ્રાઈઝ વિઝિટથી અધિકારીઓ ચોંકી ગયા હતા, જ્યારે લોકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરવાનો મોકો મળતા તેમનો સરકાર અને તંત્ર પર વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે, જિલ્લા કે તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો માત્ર કાગળ પર નિકાલ કરવાને બદલે અરજદારને પૂરેપૂરો સંતોષ થાય તે રીતે સમસ્યાનો ઉકેલ લાવો. તેમણે કલેક્ટરોને એવો ઈનિશ્યેટિવ લેવા જણાવ્યું કે જેથી કરીને કોઈપણ નાગરિકને છેક ’રાજ્ય સ્વાગત’ સુધી ધક્કા ખાવા જ ન પડે અને તેમના પ્રશ્નોનો 100 ટકા નિકાલ સ્થાનિક (જિલ્લા કે તાલુકા) કક્ષાએ જ થઈ જાય.

આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના એક ફ્લેટ ધારકે બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત કરી હતી. જેના પર મુખ્યમંત્રીએ કલેક્ટરને તાત્કાલિક એક્શન લઈ બિલ્ડર પાસેથી પૈસાની વસૂલાત કરી અરજદારને અપાવવા કડક આદેશ કર્યો હતો. આવી જ રીતે, ભાવનગરના પાલિતાણામાં ગૌચરની જમીન પર પાકા મકાનો બની ગયા હોવાની ફરિયાદ પર તેમણે જમીન માપણીની પ્રક્રિયા સત્વરે પૂરી કરી અરજદારને યોગ્ય ન્યાય અપાવવા તાકીદ કરી હતી. સાથે જ એવો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગૌચર જમીનો પર દબાણના કિસ્સામાં માપણી માટેની ફી હવેથી સરકાર જ ભરશે.

મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે પડતર રજૂઆતોનું 15 દિવસથી લઈને 1 મહિનાની અંદર નિવારણ આવવું જ જોઈએ. આ ઉકેલ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલય (ઈખઘ) ને મોકલવાની રહેશે. વધુમાં, છેલ્લા 6 મહિનામાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પણ જે-તે વિભાગે તેને ગંભીરતાથી ન લીધી હોય, તેવા પ્રશ્નોનો અરજદાર સાથે ચર્ચા કરીને 31 જુલાઈ સુધીમાં ઉકેલ લાવી અહેવાલ સોંપવા પણ કડક સૂચના આપવામાં આવી છે.

સમસ્યા ગૂંચવશો નહીં
ઘણીવાર સરકારી બાબતોમાં નિયમોને કારણે કામ થતું નથી હોતું. આ અંગે સીએમ પટેલે જણાવ્યું કે, જો કોઈ પ્રશ્ન નિયમ મુજબ ઉકેલી શકાય તેમ ન હોય, તો વિભાગો વચ્ચે માત્ર પત્રવ્યવહાર કરીને સમસ્યાને વધુ જટિલ બનાવવાને બદલે અરજદારને તેની સાચી અને સ્પષ્ટ સમજ આપવી જોઈએ. આ ઉપરાંત, દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા ’તાલુકા સ્વાગત’ કાર્યક્રમમાં પણ જિલ્લા કક્ષાના અધિકારીઓએ ફરજિયાત હાજર રહીને રજૂઆતકર્તાઓના પ્રશ્નોના નિવારણમાં સક્રિયતા દાખવવાની રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *