ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સંગઠનના હોદ્દેદારો તેમજ મંત્રીમંડળ વિસ્તરણ સહિતના મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. ત્યારે સંગઠન કે મંત્રીમંડળમાં લોહાણા સમાજના એકપણ આગેવાનને સમાવિષ્ટ ન કરાતા આ મુદ્દે ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા લોહાણા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે રઘુવંશી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીની પડખે રહ્યો છે. અને પક્ષમાં ખભેખભા મીલાવીને સંગઠનાત્મક કાર્યોમાં હંમેશા કાર્યશીલ રહે છે. પરંતુ હાલમાં તાજેતરમાં સરકાર દ્વારા મંત્રીમંડળનું કરવામાં આવેલું વિસ્તરણ તથા પ્રદેશ સંગઠનની નવી કરવામાં આવેલી રચનામાં રઘુવંશી સમાજના કોઈપણ આગેવાનોની પસંદગી કરવામાં આવી નથી કે સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી. આથી લોહાણા સમાજના યુવાનોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી છે.
વધુમાં જણાવ્યા મુજબ હંમેશા ભાજપ પ્રત્યે વફાદાર રહેતા લોહાણા સમાજને ભાજપ દ્વારા પાર્ટીમાં યોગ્ય સ્થાન તેમજ પ્રતિનિધિત્વ આપવામાં આવે અને યુવાઓને જો તક આપવામાં આવે તો પાર્ટી, સંગઠન વધુ મજબૂત બનશે. હાલના તબક્કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કે પ્રદેશ માળખામાં તેમજ અન્ય કોઈ મહત્વના હોદ્દા પર સેવાભાવી યુવા રઘુવંશી આગેવાનોને જવાબદારી સોંપવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી આ પત્રમાં કરવામાં આવી છે.
