મીટિંગમાં નીતિ વિષયક જાહેરાત ન થતા અમેરિકા, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઇટાલી સહિતના દેશોના શેરબજારમાં કડાકા
ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ચીનની યાત્રા બાદ કોઇ પ્રભાવશાળી જાહેરાત કરવામાં ન આવતા તેમજ ક્રુડનો ભાવ ફરી 110 ડોલર પર પહોંચતા ગઇકાલે સપ્તાહના આખરી દિવસે અમેરિકા સહીત વિશ્ર્વભરના શેર બજારમાં મોટા કડાકા નોંધાયા હતા. ચીન યાત્રા પૂર્વે ડાઉજોન્સ 50000 ને પાર થયા બાદ ગઇકાલે અમેરિકી માર્કેટમાં કડાકા બોલી જતા ડાઉજોન્સમાં 537 પોઇન્ટનું મોટુ ગાબડુ પડી ગયું હતું. સાથોસાથ નાસ્ડેકમાં પણ 410 પોઇનટના કડાકા સાથે આઇટી કંપનીઓના શેરમાં ઘટાડા થયા હતા.
ચીનની યાત્રા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોઇ નવી પોલીસી લેવલનું અને વર્તમાન જીયોપોલીટીકલ પરિસ્થિતિને લઇને બન્ને દેશના વડા તરફથી કોઇ પોઝીટીવ જાહેરાત ન થતા તેમજ ટેકનોલોજીના શેરમાં પ્રોફિટ બુકીંગના પગલે ડાઉજોન્સ અને નાસ્ડેક બન્નેમાં મોટા ગાબડા પડયા હતા.
માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્ર્વભરના બજારમાં સપ્તાહના આખરી દિવસે ભારે સેલીંગ જોવા મળ્યું હતું. બ્રાઝીલના શેરબજાર બોવેસ્પામાં 1082 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જર્મનીના ડીએએકસમાં પણ 505 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડમાં ફીફા-100 નો ઇન્ડેકસ પણ 2 ટકા ઘટી ગયો હતો.
તો બીજી તરફ ફ્રાંસની ટોચની 40 કંપનીઓનો ઇન્ડેકસ સીએસી-40માં ગઇકાલે 130 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જયારે ઇટાલીના એફટીએસઇ એમઆઇબીના ઇન્ડેકસમાં 933 પોઇન્ટનું ગાબડુ પડયું હતું.
ક્રુડના વધતા જતા ભાવ અને અમેરિકા ચીનના વડાની બેઠકમાં કોઇ નક્કર વાત બહાર ન આવતા સાઉથ આફ્રિકાના ટોપ 40 શેહબજાર ઇન્ડેકસ પણ 2838 પોઇન્ટનું ગાબડુ જોવા મળ્યુ હતું. જાપાનનો નીકેઇ પણ 1244 પોઇન્ટ તુટી ગયો હતો. હેંગસેંગ 426 પોઇન્ટ અને સાઉથ કોરીયાનું શેર બજાર કોસ્પી 6 ટકા તુટયો હતો.
હવે સોમવારે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ખુલશે ત્યારે રોકાણકારોની નજર તેમના પર બંધાયેલી છે. ભારતીય માર્કેટ પણ વધતા જતા ક્રુડના ભાવ અને નબળા રૂપિયાને કારણે નેગેટીવ ખુલે તેવી સંભાવના જોવા મળી રહી છે.
