હવામાનના કારણે એક માસમાં 150થી વધુ મોત
અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની શિયાળુ વાવાઝોડું ત્રાટકતાં ડઝનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલા આ શક્તિશાળી તોફાને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેની સાથે સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
સીબીએસ ન્યૂઝે તોફાની પરિસ્થિતિઓ અથવા હવામાનસંબંધિત અકસ્માતોથી છેલ્લાં એક મહિનામાં ઓછામાં ઓછા 150 મોતની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, અનેક રાજ્યોના અધિકારીઓએ શિયાળાના હવામાન સાથે સંબંધિત હોવાનું જણાતા આશરે બે ડઝન વધારાના મોતની માહિતી આપી છે.
હાલ સુધીમાં નોંધાયેલા મોતના કારણોમાં કડાકાની ઠંડીના કારણે થયેલી હાઈપોથર્મિયા, કાર અકસ્માતો, સ્નોપ્લો (બરફ હટાવવાની મશીન) સાથેના અકસ્માતો, સ્લેડિંગ દરમિયાનના અકસ્માતો અને બરફ સાફ કરતી વખતે થયેલી અચાનક હૃદયસંબંધિત તકલીફો સામેલ છે.
ન્યૂયોર્ક સિટી અધિકારીઓના જણાવ્યા મુજબ ત્યાં ઠંડીમાં 14 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે, જોકે તમામના મોતના કારણોની હજી પુષ્ટિ થઈ નથી. નેશનલ વેધર સર્વિસ મુજબ, 23થી 26 જાન્યુઆરી દરમિયાન આ શિયાળુ તોફાને અમેરિકાના લગભગ બે તૃતિયાંશ ભાગમાં અસર કરી હતી, જેમાં ભારે હિમવર્ષા, વરસાદ, બરફીલો વરસાદ (સ્લીટ) અને કડાકાની ઠંડીનો સમાવેશ થાય છે. અંદાજે 200 મિલિયન લોકો તેની અસર હેઠળ આવ્યા હતા.
