ધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોત

મહિસાગરના ધામણિયા ગામે તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર ડૂબી ગયા, અમદાવાદના સીતાપુર ગામે 3 બાળકોનો ભોગ લેવાયો ધૂળેટીના રંગોમાં રંગાયેલું ગુજરાત આ વખતે શોકના…

મહિસાગરના ધામણિયા ગામે તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર ડૂબી ગયા, અમદાવાદના સીતાપુર ગામે 3 બાળકોનો ભોગ લેવાયો

ધૂળેટીના રંગોમાં રંગાયેલું ગુજરાત આ વખતે શોકના આંસુઓમાં ડૂબી ગયું છે. તહેવારના ઉત્સાહમાં નદી, તળાવ અને કેનાલમાં ન્હાવા ઉતરેલા લોકોમાંથી અનેક ડૂબી જતાં રાજ્યભરમાં કુલ 27 લોકોના કરુણ મોત નીપજ્યા છે. યુવાનો, બાળકો અને સગા ભાઈઓ સહિતના આ મોતોએ અનેક પરિવારોને સદમો પહોંચાડ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં અસાવધાનીને કારણે આ દુર્ઘટનાઓ બની છે. સૌથી વધુ દુ:ખદ ઘટના મહીસાગર જિલ્લામાં બની, જ્યાં કોઠંબા તાલુકાના ધામણીયા ગામ પાસેના રાઘવના મુવાડા તળાવમાં ન્હાવા ઉતરેલા ચાર યુવકો ડૂબી ગયા. મૃતકોમાં અમિતકુમાર વિનોદભાઈ બારીયા, તુષારકુમાર રુદ્રનાથ બારીયા, જયેશકુમાર જશવંતભાઈ બારીયા અને વિપુલકુમાર જશવંતભાઈ બારીયા (જયેશ અને વિપુલ સગા ભાઈઓ)નો સમાવેશ થાય છે. બેના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય બેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. આ સિવાય જિલ્લામાં અન્ય એક કેસમાં પણ મોત નોંધાયા, જેથી કુલ 5 મોત થયા.

સુરત જિલ્લામાં પણ ભયાનક દુર્ઘટનાઓ બની. માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક કીમ નદીમાં ત્રણ યુવાનો ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા ડૂબી ગયા. બારડોલીની મિઢોળા નદીમાં પાંચમાંથી ચાર યુવકો ડૂબ્યા, એક બચ્યો જ્યારે એકની શોધ ચાલુ છે. અમદાવાદના માંડલ તાલુકાના સીતાપુર ગામે ઝોલાસર તળાવમાં ત્રણ નાના બાળકો પાર્થ મહેશભાઈ રાઠોડ, કૌશિક લાલભાઈ રાઠોડ અને સૌરભ અશોકભાઈ રાઠોડ (ઉંમર આશરે 9 વર્ષ) ડૂબી ગયા. અરવલ્લીના માલપુરમાં બે પિતરાઈ ભાઈઓ રાયચંદ ડામોર અને જૈમીન ડામોર (ધોરણ 5-6ના વિદ્યાર્થી) તળાવમાં ડૂબ્યા. ધનસુરામાં માઝુમ નદીમાં બે મિત્રોના મોત થયા.

મહેસાણાના મોટીદઉ ગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાં ચારમાંથી બે યુવાનો 14 વર્ષીય જયરાજ ઠાકોર અને 23 વર્ષીય વિજયજી ઠાકોર ડૂબ્યા. કડીમાં માઇનોર કેનાલમાં 35 વર્ષીય શેરૂૂભાઈ હરચંદભાઈ સરાણીયાનું મોત થયું. અમરેલીમાં શેત્રુંજી નદીમાં 20 વર્ષીય સમીર મહેશ સોલંકી ડૂબ્યા. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગર વિસ્તારમાં ચાર યુવકોના મોત થયા. આ તમામ ઘટનાઓમાં મુખ્ય કારણ ઊંડા પાણીનો અંદાજ ન આવવો અને તહેવારના ઉત્સાહમાં અસાવધાની રહ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ અનેક જીવ બચાવી શકાયા નહીં. વહીવટી તંત્રે તમામ મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરાવ્યો છે અને અકસ્માતે મોતના ગુના નોંધી તપાસ શરૂૂ કરી છે.

આ દુર્ઘટનાઓ એક ચેતવણી છે કે તહેવારની ખુશીમાં જીવલેણ જોખમ ન લેવું જોઈએ. લોકોને જળાશયોમાં ન્હાવાની મનાઈ અને સાવચેતીની અપીલ કરવામાં આવી છે. કચ્છના આદિપુરમાં એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં માતમ છવાઈ ગયો છે. આદિપુરના શિણાય અને શનિ મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં અલગ-અલગ બનાવોમાં બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ આદિપુર અને અંજાર પોલીસનો કાફલો તેમજ GDMCની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. છેલ્લા બે કલાકથી વધુ સમયથી કેનાલમાં યુવકોને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સચોટ ભાળ મળી શકી નથી.

અમરેલીમાં શેત્રુંજી નદીમાં યુવકનું ડૂબી જવાથી મોત
અમરેલીમાં ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યાં બાદ શેત્રુંજી નદીમાં નાહવા માટે ગયો હતો, જ્યાં અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તહેવારના દિવસે જ આશાસ્પદ યુવકનું મોત થતા બહારપરા પંથક સહિત સમગ્ર અમરેલીમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *