રાજકોટમાં 191 કેસ નોંધાયા, મારામારી- અકસ્માત સહિતની ઘટનાઓ
રાજ્યભરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે ઈમર્જન્સી વિભાગોમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં ગુજરાતમાં કુલ 3,796 ઈમર્જન્સી કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોના સરેરાશ 3,266 કેસ કરતા 530 વધુ છે. આ વધારો લગભગ 16.22 ટકા છે, જે મુખ્યત્વે માર્ગ અકસ્માતો, મારામારી અને તબીબી ઈમર્જન્સી જેવા બનાવોને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. તંત્રે તહેવારો દરમિયાન વધુ સાવચેતી અપનાવવાની અપીલ કરી છે.
જિલ્લાવાર આંકડા જુએ તો અમદાવાદમાં સૌથી વધુ 723 કેસ નોંધાયા હતા, જ્યારે સુરતમાં 455 કેસ સાથે 50.93 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો. વડોદરામાં 195, રાજકોટમાં 191 અને દાહોદમાં 139 કેસ નોંધાયા છે. વલસાડ (135), કચ્છ (134), ભાવનગર (110), જામનગર (104) અને ગાંધીનગર (94) જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ કેસ સામે આવ્યા છે. ટકાવારી મુજબ અરવલ્લીમાં સૌથી વધુ 63.39 ટકા વધારો નોંધાયો છે.
બીજી તરફ, જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સામાન્ય દિવસોની તુલનામાં કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. અન્ય જિલ્લાઓમાં પણ ઈમર્જન્સી કેસોની સંખ્યા ઉંચી રહી: પંચમહાલ (88), તાપી અને છોટાઉદેપુર (87-87), ભરૂૂચ (86), ખેડા (84), મોરબી (83), અમરેલી (80), બનાસકાંઠા (79), મહેસાણા (78), સાબરકાંઠા (75), નવસારી (60), મહીસાગર અને નર્મદા (57-57), પાટણ (47), ડાંગ અને પોરબંદર (44-44), ગીર સોમનાથ (38) તથા બોટાદમાં સૌથી ઓછા 23 કેસ નોંધાયા છે.
વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્રે તમામ ઈમર્જન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. 108, 104 અને અન્ય તબીબી સેવાઓને તૈયાર રાખવામાં આવ્યા છે. તહેવારો દરમિયાન વાહનચાલકો અને નાગરિકોને વધુ સાવચેતી અપનાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અને મારામારી જેવા બનાવો ઘટે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આવા તહેવારોમાં ભીડ અને ઉજવણીને કારણે કેસ વધવા સ્વાભાવિક છે, પરંતુ તાત્કાલિક પ્રતિસાદ માટે વ્યવસ્થા કરી છે.
