ધોનીએ યુવરાજસિંહને ટીમમાંથી બહાર કરવાનું કહ્યું ન હતું

ટીમમાંથી બહાર કરવાના કારણે ગંભીર હજુ મારી સાથે વાત નથી કરતો સંદીપ પાટીલે રાજ ખોલ્યા ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય…

ટીમમાંથી બહાર કરવાના કારણે ગંભીર હજુ મારી સાથે વાત નથી કરતો સંદીપ પાટીલે રાજ ખોલ્યા

ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય સંદીપ પાટીલે તાજેતરમાં પોતાના મુખ્ય પસંદગીકાર તરીકેના સમયગાળાને લઈને અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી. યુટ્યુબ ચેનલ ધ વિકી લાલવાણી શોમાં તેમણે ટીમ પસંદગી દરમિયાન લેવામાં આવેલા કેટલાક મોટા અને વિવાદાસ્પદ નિર્ણયો વિશે પોતાના અનુભવો શેર કર્યા.

પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્યારેય યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની માંગણી કરી નહોતી. વર્ષોથી યુવરાજના પિતા યોગરાજ સિંહ ધોની પર આરોપ લગાવતા આવ્યા છે, પરંતુ પાટીલના કહેવા મુજબ પસંદગી પ્રક્રિયામાં ધોનીએ કોઈ દખલગીરી કરી નહોતી. તેમણે કહ્યું કે સિલેકશન મીટીંગમાં, ટુર (શ્રેણી) કે મેચ દરમિયાનકોઈ પણ સમયે ધોનીએ યુવરાજને બહાર કરવાની સલાહ આપી નહોતી. પાટીલએ કહ્યું કે ધોનીએ હંમેશા પસંદગી સમિતિના નિર્ણય પર વિશ્વાસ રાખ્યો હતો અને તેણે આ બાબતમાં ક્યારેય દબાણ બનાવ્યું નહોતું.

પાટીલે ગૌતમ ગંભીર અંગે પણ રસપ્રદ વાત કરી. તેમણે જણાવ્યું કે જ્યારે શિખર ધવન ટીમમાં આવ્યો ત્યારે ગંભીરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પછી ગંભીર હજુ પણ તેની સાથે વાત કરતો નથી અને બંને વચ્ચેનો સંબંધ ઠંડો પડી ગયો છે.

પાટીલના જણાવ્યા મુજબ એક સમય એવો હતો જ્યારે ગંભીરના તેની સાથે ખૂબ સારા સંબંધ હતા અને વારંવાર ફોન પર વાત કરતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. પાટીલ કહે છે કે જ્યારે તેઓ ટીવી શોમાં મળે છે ત્યારે પણ ગંભીર તેમની તરફ જોતો નથી અને હાઈ-હેલોનો જવાબ પણ આપતો નથી.
આ સાથે જ પાટીલે જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન સચિન તેંડુલકરને ટીમમાંથી બહાર કરવાની ચર્ચા પણ થઈ હતી. ત્યારબાદ સચિને પોતે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. પાટીલના કહેવા મુજબ ઘણા ખેલાડીઓ જેમ કે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સમય સાથે નિર્ણયોને સ્વીકારી આગળ વધ્યા, પરંતુ ગંભીર હજુ પણ તે બાબતને ભૂલ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *