હોટલ, ગેસ્ટહાઉસો હાઉસફૂલ, રસ્તાઓ પર પણ ટ્રાફિક જોવા મળ્યો
નાતાલ અને 31 ડિસેમ્બરના મીની વેકેશન દરમ્યાન દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવિકોનો મોટો પ્રવાહ ઉમટી પડયો છે.
ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્ર ભણી પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા, સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથના અલોકીક દર્શન અને આરતીનો લ્હાવો લઈ ઘન્યતા અનુભવી રહ્યા છે.
પાંચ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હોવાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું. હજુ 31 ડિસેમ્બર સુધી આ આંક માં વધારો જોવા મળશે. સોમનાથ મંદીરે ભગવાન ભોળાનાથના દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે ત્યારે મહાદેવને શીશ ઝુકાવી ધન્ય બને છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો સાથે આસપાસની હોટલોના બુકીંગ ફૂલ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાવિકોના ઘસારાના ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શન કરવા પધારતા યાત્રિકો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથ, સાસણ ગીર, સંઘ પ્રદેશ દિવ જેવા હરવા ફરવાના સ્થળો સાથે ધાર્મિક સ્થાનોમાં પ્રવાસીઓનું મિનિ વેકેશન શરૂૂ થયું છે. ત્યારે ગીર સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણ ગીર સિંહ દર્શન તથા સાથે દીવ પર્યટન સ્થળની મુલાકાતે પ્રવાસીઓ ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. સોમનાથ મંદિરની સાથે સોમનાથ ચોપાટી,વોક વે પથ, રામમંદિર, ગૌ લોક ધામ, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ અને આજુબાજુ લોકોનો ધસારો જોવા મળી રહેલ છે.
