દ્વારકામાં મીની વેકેશનમાં ભાવિકો ઉમટ્યા, જગતમંદિરે સ્વર્ગ દ્વાર-મોક્ષ દ્વાર પર લાંબી કતારો

યાત્રાધામ દ્વારકામાં મહાત્મા ગાંધી જયંતીની રજા સાથે ત્રિ દિવસીય મીની વેકેશન સમા વિકેન્ડના માહોલમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી છે.દ્વારકાધીશજીના દર્શન…

યાત્રાધામ દ્વારકામાં મહાત્મા ગાંધી જયંતીની રજા સાથે ત્રિ દિવસીય મીની વેકેશન સમા વિકેન્ડના માહોલમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી છે.દ્વારકાધીશજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. જગતમંદિરના સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભાદરવા માસની કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તો કલાકો સુધી કતારમાં ઊભા રહી દ્વારકાધીશના દર્શન માટે આતુર જોવા મળ્યા હતા.

યાત્રાધામ દ્વારકાની સાથે દ્વારકા દર્શન સર્કિટમાં આવતા નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકાધીશ મંદિર અને રૂૂક્મણી મંદિર ખાતે પણ યાત્રિકો તથા પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. બેટ દ્વારકા તરફ જતા સુદર્શન સેતુ પર વાહનોની સંખ્યા વધતાં એક તબકકે લાંબી કતારો લાગી હતી. બેટ દ્વારકાધીશ મંદિરથી સુદર્શન સેતુ સુધી વાહનોની કતારો જોવા મળતાં ટ્રાફિકની ગતિધીમી પડી હતી.

કુંડલા ભોગ, લાખો ભાવિકોએ દર્શન કર્યા
જગતમંદિરમાં ઠાકોરજીના ઉત્થાપન સમયે ભાવિક પરિવાર દ્વારા શ્રીજીને કુંડલા ભોગનો મનોરથ યોજાયો હતો. શનિવારના નીલા વાઘાના દૈદિપ્યમાન શણગાર સાથે બિરાજમાન દ્વારકાધીશના અલૌકિક દર્શન સાથે કુંડલા ભોગ મનોરથનો પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપરાંત ઓનલાઇનના વિવિધ માધ્યમથી પણ લાખો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કેન્દ્રીય મંત્રી માંડવિયાના પરિવાર દ્વારા જગત મંદિરે નૂતન ધ્વજારોહણ
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના પરિવાર દ્વારા શનિવારે દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી ધ્વજારોહણ પ્રસંગમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *