માણાવદરના ધારાસભ્યના ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ બબાલ
જૂનાગઢ માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વંથલી તાલુકાના ખોખરડા ગામે એક શાળાના ઓરડાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીડિયોમાં ધારાસભ્ય શહેરના વિકાસ સામે નકારાત્મક ટિપ્પણી કરતા હોવાનું જણાતા સોશિયલ મીડિયા પર લોકો આડે હાથ લઈ રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી બોલતા સંભળાય છે કે, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. હું આજે પણ ગામડામાં જ રહું છું અને દિનેશભાઈ પણ ગામડામાં જ રહે છે. સિટીમાં અમને ફાવતું નથી અને સિટીનો વિકાસ અમારાથી દેખાતો પણ નથી.વિવાદ વધતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગઈ 19 તારીખના રોજ ખોખરડા ગામે પ્રાથમિક શાળાના લોકાર્પણમાં મેં જે પ્રવચન આપ્યું હતું, તેનો અધૂરો વીડિયો વાયરલ કરીને ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, ગામડાઓમાં શાળાઓ વ્યવસ્થિત ચાલે અને બાળકોની સંખ્યા જળવાઈ રહે તે જરૂૂરી છે. ગામડાનો વિકાસ ગ્રામ પંચાયત અને સરપંચો દ્વારા થતો હોય છે અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો સદુપયોગ કરીને ગામડાને જાગૃત રાખવા જોઈએ.
જોકે, ધારાસભ્યની આ સ્પષ્ટતા બાદ પણ સોશિયલ મીડિયા પર વિવાદ શમવાનું નામ લેતો નથી અને લોકો તેમના શબ્દોની પસંદગી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
