– સાયન્સમાં 90.88 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ –
– મીઠાપુર કેન્દ્રનું સો ટકા પરિણામ –
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 દરમ્યાન લેવામાં આવેલી ધોરણ 12 ના બોર્ડની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નોંધપાત્ર પરિણામ આવ્યું છે.
ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના સમગ્ર રાજ્યના ગત વર્ષના 91.93% સામે આ વખતે 93.07 % પરિણામ આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 95.69% જેટલું ઉજળું આવ્યું છે.
આ વખતના રીઝલ્ટમાં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર કહી શકાય તેમ મીઠાપુર કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે. આ સાથે ખંભાળિયા 95.25%, દ્વારકા 86.90 %, ભાટિયા 97.8 1%, ભાણવડ 98.13 % અને કલ્યાણપુરનું પરિણામ 94.17 % આવ્યું છે.
ધોરણ 12 માં નોંધાયેલા કુલ 3233 વિદ્યાર્થીઓ પૈકી 26 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે 460 વિદ્યાર્થીઓએ એ-2, 876 વિદ્યાર્થીઓએ બી-1, 887 વિદ્યાર્થીઓએ બી-2, 623 વિદ્યાર્થીઓએ સી-1, 201 વિદ્યાર્થીઓએ સી-2 અને 16 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.
આ જ રીતે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં પણ આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રદર્શન સરેરાશ સારું રહ્યું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 296 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જિલ્લાના બે પરીક્ષા કેન્દ્રોમાં ખંભાળિયાનું 91.56% તેમજ મીઠાપુરનું 88.19% મળી સરેરાશ પરિણામ 90.88 % આવ્યું છે.
આ સાથે 30 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 60 વિદ્યાર્થીઓએ બી- 1 ગ્રેડ, 67 વિદ્યાર્થીઓએ બી- 2, 59 વિદ્યાર્થીઓએ સી-1, 42 વિદ્યાર્થીઓએ સી-2 અને 8 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ પણ આ વખતે નોંધપાત્ર આવ્યું છે. ત્યારે ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ તેમની ટીમએ શુભેચ્છાઓ પાઠવી હતી.
