નિર્મળા રોડ પર ‘દેવ ફાસ્ટ ફૂડ’માંથી ઉંદર-વંદા-જીવાત મળતા સીલ કરાયું

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી છે. ખાસ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ…

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી છે. ખાસ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ 38 રેસ્ટોરન્ટ અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતી પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 147 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. લાઈસન્સ, સ્ટોરેજ અને અસ્વચ્છતા બદલ 4 પેઢીઓને નોટિસ આપીને રૂૂ. 14,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે અત્યંત ગંદકી ધરાવતી 1 પેઢીને સીલ કરી દેવામાં આવી છે.

તપાસ દરમિયાન નિર્મળા રોડ પર આઈસીઆઈસીઆઈ બેંક સામે આવેલ ’દેવ ફાસ્ટ ફૂડ’ નામની પેઢીમાંથી ગંભીર બેદરકારી સામે આવી હતી. સ્થળ પર ફ્રીઝ, સ્ટોરેજ અને ખોરાક બનાવવાના વિસ્તારમાં વાસી અખાદ્ય ખોરાકની સાથે વંદા, જીવાત અને ઉંદરનો મોટો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ત્યાંથી 40 કિલો સડેલી ડુંગળી, 45 કિલો તૈયાર ગ્રેવી, મસાલો અને ચટણી, 34 કિલો રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન તથા 13 કિલો પડતર સોસ અને લોટ મળી કુલ 132 કિલો અખાદ્ય ખોરાકનો એસડબલ્યુએમ (જઠખ) ના વાહન દ્વારા નાશ કરાવ્યો હતો. આ પેઢીને રૂૂ. 10,000 નો વહીવટી ચાર્જ ફટકારીને કાયદાકીય રીતે સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત રોલેક્સ રોડ પર આવેલ ’શ્રીજી ફાસ્ટફૂડ’ માંથી પણ 10 કિલો વાસી ચટણી અને વડાપાઉંનો મસાલો પકડાતા તેનો નાશ કરી રૂૂ. 2,000 નો વહીવટી દંડ વસૂલ કરાયો હતો. તેમજ બજરંગ વાડી ખાતેના ’શ્રીરામ ખમણ’ માંથી 5 લિટર ખરાબ ચટણીનો નાશ કરાયો હતો. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ તપાસ અર્થે સંતકબીર રોડ પરથી ’વિજય શીંગ’ ના રોસ્ટેડ સીંગ અને રોસ્ટેડ ચણાના બે સેમ્પલ તેમજ ભક્તિનગર સર્કલ પાસે આવેલા ’છાશ વાલા’ માંથી ચોકલેટ લસ્સીનો 1 સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાની આ દરોડા કાર્યવાહી દરમિયાન શક્તિ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, ભક્તિનગર, જીવરાજ પાર્ક, મોટા મવા, મવડી ટાઉનશીપ, બજરંગ વાડી અને ભાવનગર રોડ પર આવેલી વિવિધ શૈક્ષણિક તથા સરકારી હોસ્ટેલો સહિત કુલ 38 સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *