કાલે રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો રોડ શો

પ્રબુધ્ધ નાગરિકો સાથે મીટિંગ-ભોજન અને ચાર વોર્ડના કાર્યાલયોની મુલાકાત પણ લેશે જૂના જોગીઓને જવાબદારી સોંપાઈ, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ગરમાવો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે…

પ્રબુધ્ધ નાગરિકો સાથે મીટિંગ-ભોજન અને ચાર વોર્ડના કાર્યાલયોની મુલાકાત પણ લેશે

જૂના જોગીઓને જવાબદારી સોંપાઈ, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ગરમાવો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે પ્રચાર પડઘમ અંતિમ તબક્કામાં પહોંચ્યા છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટના ચૂંટણી પ્રવાસે આવી રહ્યાં છે અને રાજકોટમાં રોડ શો ઉપરાંત પ્રબુધ્ધ નાગરિકો સાથે મીટીંગ અને ભોજન સમારંભ તથા ભાજપ કાર્યાલયની મુલાકાત સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે હર્ષ સંઘવીના આ કાર્યક્રમ માટે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે ઉપરાંત જુના જોગીઓ રમેશભાઈ રૂપાપરા, ડો.ભરત બોઘરા અને મુકેશ દોશીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રોડ શોની જવાબદારી નિતીન ભારદ્વાજ તેમજ રમેશ રૂપાપરા, દેવાંગ માંકડ અને માધવ દવેને સોંપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે પાંચ વાગ્યા બાદ રાજકોટ આવી પહોંચનાર છે અને છ વાગ્યા બાદ જુના રાજકોટમાં એક કલાકનો રોડ શો યોજનાર છે. આ રોડ શો ત્રિકોણબાગથી શરૂ થઈ ગરેડીયા કૂવા રોડ, લાખાજીરાજ રોડ, કનસારા બજાર, પેલેસ રોડ, બાલાજી મંદિર, સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, ધી કાંટા રોડ, સોની બજાર તેમજ ઉપેન્દ્ર રોડ સ્વામીનારાયણ થઈ ફરી ત્રિકોણબાગ ખાતે પૂર્ણ થનાર છે.

આ રોડ શો બાદ રાત્રે 8.30 વાગ્યે કાલાવડ રોડ પર આવેલ સૈયાજી હોટલ ખાતે પ્રબુધ્ધ નાગરિકો સાથે મીટીંગ તેમજ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારબાદ વોર્ડ નં.5, વોર્ડ નં.8, વોર્ડ નં.11અને વોર્ડ નં.14ના કાર્યાલયોની પણ મુલાકાત લઈ કાર્યકરોનો ઉત્સાહ વધારશે. રાત્રે 11.30 કલાકે હિરાસર એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *