અનામત પ્લોટ પર થયેલા પાંચ મકાન પાણીનો ટાંકો તોડી પાડી રૂા. 31 લાખની જમીન ખુલ્લી કરાવાઈ
મહાનગરપાલિકા દ્વારા અંતે સાર્વજનિક પ્લોટ તેમજ ટીપીના રસ્તા પર થયેલા અનઅધિકૃત બાંધકામો દુર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 2 માં અનામત પ્લોટ તેમજ ટીપી રોડ ઉપર આવેલ એક મંદિરનું બાંધકામ તેમજ માધાપરમાં દરગાહમાં આવેલ ગેરકાયદેસર રૂમ તથા ટાંકાનું બાંધકામ સહિત 7 દબાણો દૂર કરી રૂા. 31 લાખની 70 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વોર્ડ નં. 3માં રેલનગરમાં ટીપી સ્કીમ નં. 23માં વાણીજ્ય હેતુના પ્લોટ ઉપર થયેલ મંદિરનું 20 ચો.મી.નું દબાણ તથા માધાપરમાં ટીપી સ્કીમ નં. 38 18 મીટરના ટીપી રોડ પર આવેલ દરગાહમાં ગેરકાયદેસર બનાવેલ રૂમ તેમજ પાણીના ટાંકાનું દબાણ દૂર કરી 500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.
તેવી જ રીતે વોર્ડ નં. 2માં ટીપી સ્કીમ નં. 9 માં ડ્રનેજ પમ્પીં સ્ટેશનની બાજુમાં અનામત પ્લોટ ઉપર થયેલ રહેણાકના મકાનનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
સુપ્રિમ કોર્ટ દ્વારા ટીપીના રોડ રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો તેમજ ધાર્મિક દબાણો હટાવવાની સૂચના આપ્યા બાદ મહાનગરપાલિકા શહેરભરના ધાર્મિક સહિતના 900 દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં આવેલ જેના કારણે દેકારો બોલી ગયેલ તે સમયે ચૂંટણીઓ માથે આવતા ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લા છ માસ દરમિયાન ટાઉન પ્લાનીંગ વિભાગ દદ્વારા અલગ અલગ વિસ્તારો તેમજ નદી કાંઠાના નિચાણ વાળા વિસ્તારોમાં વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણોનું લીસ્ટ તૈયાર કરવાની મહેનત કરવામાં આવેલ જેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી હોય તેમ જાણવા મળેલ છે. આજે વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 2 માં એક મંદિરનું તથા એક દરગાહમાં બનાવવામાં આવેલ એક મકાન અને ટીપી રોડના ચાર મકાનોનું ડિમોલેશન કરી 31 લાખની જમીન ખુલ્લી કરાવાઈ હતી.